VADODARA : MGVCL દ્વારા 6 સબ ડિવિઝનોનું સેન્ટ્રલાઇઝેશન, કામ ઝડપી થશે
VADODARA : વડોદરામાં ગ્રાહકોને વિજળીની સેવા પુરી પાડતી મધ્ય ગુજરાત વિજ કંપની લિ. દ્વારા દક્ષિણ વિભાગમાં આવતા 6 સબ સ્ટેશનોનું સેન્ટ્રલાઇઝેશન કર્યું છે. આમ કરવા પાછળનું કારણ લોકોના પ્રશ્નો જલ્દી ઉકેલાય તેમ હોવાનું વિભાગીય સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક કામગીરી માટે વિશેષ ડેપ્યુટી એન્જિનિયર તૈનાત રહેશે. સુરત ડિજીવીસીએલ દ્વારા પીપલોદ ડિવિઝનમાં આ પ્રકારે પ્રયોગ કર્યો હતો. જે સફળ રહેતા વડોદરામાં તેની અમલવારી કરવામાં આવી છે. અને સફળતા મળી તો અન્ય ડિવિઝનોમાં પણ આ જ રીતે કામ થનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. (MGVCL PILOT PROJECT, CENTRALISATION OF SUBDIVISION FOR BETTER EFFICACY - VADODARA)
ડે. એન્જિનિયરે એક જ પ્રકારનું કામ તમામ સબ ડિવિઝનમાં કરવાનું રહેશે
અત્યાર સુધી વડોદરામાં આવેલા વિજ કંપનીના સબ ડિવિઝનોમાં ડિઇ દ્વારા ફરિયાદ, પ્રોજેક્ટ, ફોલ્ટ રેક્ટિફિકેશન પ્રોસેસ, મેઇનન્ટેનન્સ,તથા વિજિલન્સના કામોનું સુપરવિઝન કરવામાં આવતું હતું. જેના કારણે એક વ્યક્તિ પર કામનું ભારણ ખુબ વધી જતુ હતું. હવે દક્ષિણમાં આવતા 6 સબ ડિવિઝનનું કામ સેન્ટ્રલાઇઝ કરી દેવાનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવતા ડે. એન્જિનિયરે એક જ પ્રકારનું કામ તમામ સબ ડિવિઝનમાં કરવાનું રહેશે. આ પ્રોજેક્ટની શરૂઆત લાલબાગ સબ ડિવિઝનથી કરવામાં આવનાર છે.
6 સબ ડિવિઝનમાં 30 થી વધુ કર્મીઓની બદલી કરવામાં આવી
દક્ષિણ વિસ્તારમાં અઢી લાખ વિજ ગ્રાહકો ધરાવતા વાડી, બરાનપુરા, લાલબાગ, માંજલપુર, જીઆઇડીસી અને તરસાલી સબ ડિવિઝનનો સમાવેશ થાય છે. સેન્ટ્રલાઇઝેશન બાદ 6 સબ ડિવિઝનમાં 30 થી વધુ કર્મીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ડે. ઇજનેરનો પણ સમાવેશ થાય છે.
સફળતા બાદ અન્ય ડિવિઝનોમાં પણ તેને લાગુ કરવામાં આવશે
એમજીવીસીએલના એમડીએ મીડિયાને જણાવ્યું કે, સેન્ટ્રલાઇઝેશનથી કંપનીની કાર્યક્ષમતામાં વધારો થશે. એક ડે. એન્જિનિયર પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપી શકશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય ડિવિઝનોમાં પણ તેને લાગુ કરવામાં આવશે. સુરતના ડીજીવીસીએલ દ્વારા પીપલોદ ડિવિઝનમાં એક વર્ષથી આ પ્રોજેક્ટ સફળતા પૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ વડોદરામાં તેને લાગુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : મગરની હાજરી વચ્ચે આડાશ મુકીને પાણીની લાઇનમાં સમારકામ


