VADODARA : વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ કનેક્ટીવીટી વધારના સાંસદની રજુઆત
VADODARA : ગુજરાત રાજ્યના મહત્વના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક શહેર વડોદરાથી મુંબઈ તેમજ દિલ્હી તરફની ફ્લાઇટ (VADODARA TO MUMBAI, DELHI FLIGHT CONNECTIVITY INCREASE) ની સંખ્યા ઓછી હોવાને કારણે હવાઈ મુસાફરોને ઉંચી કિંમતે ટિકિટ ખરીદી પડે છે. શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP - DR. HEMANG JOSHI) એ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી (AVIATION MINISTER OF INDIA - Kinjarapu Rammohan Naidu ) ને રૂબરૂ મળી મુંબઈ દિલ્હી તરફની ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવા સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે વહેલી તકે નક્કર કાર્યવાહી કરવા સાંસદને હૈયાધારણા આપતા વડોદરાના હવાઈ ઉડ્ડયનોને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે તેવો આશાવાદ જન્મ્યો છે.
આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો તથા ગૃહોની કોર્પોરેટ ઓફિસો પણ આવેલી છે
શિક્ષણ અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતી વડોદરાએ શહેરની મહત્વની ઔદ્યોગિક નગરી પણ છે. શહેરની આસપાસ નાના-મોટા અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગો તથા ઉદ્યોગ ગૃહોની કોર્પોરેટ ઓફિસો પણ આવેલી છે. આ સંજોગોમાં સમય અને શક્તિના બચાવ સ્વરૂપે હવાઈ ઉડ્ડયનોની પર્યાપ્ત સુવિધા એક મહત્વનું જરૂરી અને અનિવાર્ય પાસું બની રહે છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુવિધાઓને લગતી બાબતો સંદર્ભે ચર્ચા વિચારણા
સાંસદે અગાઉ કરેલી રજૂઆતોના સંદર્ભે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તાજેતરમાં સાંસદ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠકમાં સાંસદે વડોદરાથી ગુજરાત રાજ્યના ઉત્તર તથા દક્ષિણના અન્ય શહેરોમાં પણ ફ્લાઇટ્સની સુવિધા શરૂ કરવાની તાતી આવશ્યકતા હોવા અંગેની રજૂઆત કરી હતી. ઉડ્ડયન મંત્રાલય સાથેની બેઠકમાં વડોદરાથી રાજ્યના વિવિધ શહેરોમાં ફ્લાઇટની સંખ્યા વધારવા તેમજ મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવા તથા વડોદરામાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુવિધાઓને લગતી બાબતો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે કસ્ટમ્સ વિભાગે તૈયારીઓ શરૂ કરી : સાંસદ ડો. હેમાંગ જોષી
ઔદ્યોગિક નગરી વડોદરામાંથી વેપાર રોજગાર તથા ઉચ્ચ શિક્ષણ અર્થે મોટી સંખ્યામાં શહેરીજનો તથા યુવા વર્ગ વિવિધ દેશોના પ્રવાસે જતો હોય છે. આ હવાઈ પ્રવાસીઓને તેમના ઘર આંગણે વડોદરામાંથી હવાઈ ઉડાણ માટેની પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તેવી લાંબા સમયથી માગણી શહેરભરમાંથી ઉઠી રહી હતી. શહેરીજનોની આ માગણી અને લાગણી સંદર્ભે સાંસદ ડો. હેમાંગ જોષીએ અગાઉ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરી હતી. જે તે વખતે કેન્દ્રીય મંત્રીએ આંતરરાષ્ટ્રીય ઉડાણો શરૂ કરવા માટે સાંસદને હૈયાધારણા આપી નક્કર કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. જેના ભાગરૂપે વડોદરા શહેરમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુવિધા શરૂ કરવા કસ્ટમ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ માટે એરક્રાફ્ટ ઓપરેટર સાથે જરૂરી સંકલન સાધી ઇમિગ્રેશન વિભાગને પણ આવશ્યક તૈયારીઓ કરવા સૂચિત કરી દેવામાં આવ્યું છે.
વડોદરા એરપોર્ટ ખાતેથી એર કાર્ગો સુવિધા શરૂ કરો
વેપાર રોજગાર તેમજ શિક્ષણની નગરી વડોદરામાં આયાત-નિકાસ એટલે કે એક્સપર્ટ-ઈમ્પોર્ટના બિઝનેસ માટે પણ વિપુલ તકો છે. કેટલાય ઉદ્યોગ વાંચ્છુકો હાલ આ વ્યવસાય ક્ષેત્ર સાથે સફળતાપૂર્વક જોડાયા છે. વડોદરા એક્સપોર્ટ-ઈમ્પોર્ટનુ હબ બને તે માટે એર કાર્ગો એ આવશ્યક સુવિધા છે. સાંસદ ડો. હેમાંગ જોષીએ વડોદરામાં એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવે તે બાબતે પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીના સફાઇ કામના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરનો 'લોભ' છલકાયો


