VADOADARA : MSU ના સત્તાધીશોના પાપે ક્રિકેટ ટૂર્નામેન્ટ પર અસર
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (VADODARA - MSU) માં સત્તાધીશો ખાસ કરીને વીસી અને રજીસ્ટ્રારની આડોડાઇના કારણે આજે યુનિ.ની ક્રિકેટ ટુર્નામેન્ટ પર અસર પડી રહી હોવાની ઘટના સામે આવી છે. અગાઉ બીસીએ જોડેનો એમઓયુ તોડ્યા બાદ યુનિ.સત્તાધીશો દ્વારા ડી.એન.હોલ ક્રિકેટ ગ્રાઉન્ડની જાળવણી કરવામાં આવી નથી. જેને પગલે હવે વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટ પર તેની અસર જોવા મળી રહી છે. દર વર્ષે આ સમયે ટુર્નામેન્ટનું ફાઇનલ સિલેક્શન થઇ ચુક્યું હોય છે. અને વિદ્યાર્થીઓ મેચની પ્રેક્ટીસ કરતા નજરે પડતા હોય છે. ત્યારે આ વર્ષે ગ્રાઉન્ડ જ તૈયાર નહીં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
લાભની આશા વ્યક્ત કરવામાં આવતા એમઓયુ તુટ્યો
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના વીસી પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવનો કાર્યકાળ અંતના તરફ જઇ રહ્યો છે. છતા વિવાદો શમવાનું નામ નથી લઇ રહ્યા. અગાઉ યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડની જાળવણી બીસીએ (BCA) દ્વારા કરવામાં આવતી હતી. બીસીએ જોડેથી ગ્રાઉન્ડ માટેના લાભની આશા વ્યક્ત કરવામાં આવતા એમઓયુ તુટ્યો હતો. ત્યાર બાદથી યુનિ.ના ડીએન હોસ ક્રિકેટ ગ્રાઉન્ડની જાળવણીમાં સત્તાધીશો ઉણા ઉતર્યા હતા. જેના કારણે ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી શકાય તેવા કોઇ અણસાર નથી. એટલું જ નહીં પીચ પણ રમવાલાયક નથી રહી. કેટલીક વખતતો આ મેદાનમાં રખડતા ઢોરની હાજરી પણ નોંધવામાં આવે છે.
સમય લાગી શકે તેમ છે
દર વર્ષે જે સમયે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પ્લેયર્સની પસંદગી ચાલતી હોય છે, ત્યાં આ વખતે તો ટીમની પસંદગી જ ધોંચમાં પડી છે. જેને લઇને ટૂર્નામેન્ટ પર તેની અસર વર્તાશે તે નક્કી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, યુનિ. દ્વારા બીસીએ જોડે વધુ એક વખત એમઓયુ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પરંતુ તેની માટે સમય લાગી શકે તેમ છે. ત્યારે યુનિ.માં મનસ્વી વર્તન કરવા માટે જાણીતા વીસીનો વધુ એક વખત વિદ્યાર્થીઓ ભોગ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : BCA ની એપેક્ષ કમિટીનું ઐતિહાસિક પગલું, પેન્શન યોજના જાહેર


