VADODARA : MSU તંત્રની લબાડગીરી, ત્રણ વર્ષથી પ્રોફેસરોને પ્રમોશન અપાયું નથી
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના (MSU - VADODARA) તંત્રની લબાડગીરી ખુલ્લી પડી જવા પામી છે. યુનિ.ના પ્રોફેસરોને છેલ્લા ત્રણ વર્ષથી પ્રમોશન અપાયું નથી. તે પૈકી કેટલાક તો વગર પ્રમોશન જ નિવૃત્ત પણ થઇ ગયા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આમ. હાલના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવના કાર્યકાળમાં વધુ એક વિવાદ ખુલીને સપાટી પર આવ્યો છે.
વધુ એક વિવાદ જોડાયો છે
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના (MSU - VADODARA) વીસી તરીકે પ્રોફેસસ વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણુંક કરાઇ છે, ત્યારથી તેમનો વિવાદો સાથે નાતો રહ્યો છે. યુનિ.માં પ્રોફેસર અને વિદ્યાર્થીઓના અવાજને કચડી નાંખવો, સંચાલનમાં જોહુકમી ચલાવવી માટે વીસીનો કાર્યકાળ જાણીતો બન્યો છે. આગામી ફેબ્રુઆરી માસમાં વીસીનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે. ત્યારે તેની જોડે વધુ એક વિવાદ (MSU VC - CONTROVERSY) જોડાયો છે.
પ્રમોશનના અભાવે પ્રોફેસરોની સંખ્યાનો ગ્રાફ નીચો જઇ રહ્યો છે
યુનિ.ના વીસી દ્વારા વિતેલા ત્રણ વર્ષથી એક પણ પ્રોફેસરને પ્રમોશન આપ્યું નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, 400 જેટલા પ્રોફેસર પ્રમોશનથી વંચિત છે. એટલું જ નહી 20 જેટલા પ્રોફેસર તો નિવૃત્ત પણ થઇ ગયા છે. છતાંય તેમને તેનાથી વંચિત રાખવામાં આવ્યા છે. પ્રમોશનના અભાવે પ્રોફેસરોની સંખ્યાનો ગ્રાફ નીચો જઇ રહ્યો છે. જેની મોટી અસર નેક કમિટીની રેકીંગમાં પડે તો નવાઇ નહીં.
2022 માં યુનિ.ની સેનેટની બેઠકમાં સંગઠન દ્વારા આ મામલે દેખાવો કર્યા હતા
સામાન્ય સંજોગોમાં પ્રોફેસરને આસિસ્ટન્ટ પ્રોફેસરથી એસોસિયેટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરથી પ્રોફેસર તરીકીને બઢતી આપવામાં આવતી હોય છે. સાથે જ તેમના પગારમાં વધારો કરવામાં આવતો હોય છે. વર્ષ 2022 માં યુનિ.ની સેનેટની બેઠકમાં સંગઠન દ્વારા આ મામલે દેખાવો કર્યા હતા. ત્યાર બાદથી આ વાતને નેવે મુકી દેવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. જેનો પ્રોફેસર્સ આજદિન સુધી ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : માત્ર લારી-ગલ્લાના દબાણો પર તવાઇ આવતા સામી લડતના એંધાણ