VADODARA : MSU ની સુરક્ષા રોજમદાર સિક્યોરીટી ગાર્ડસના ભરોસે
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની સિક્યોરીટી રોજમદાર ગાર્ડસના ભરોસે છે. તેવું સિક્યોરીટી હેડ સુદર્શન વાળાનું કહેવું છે. યુનિ.માં ચંદનના ઝાડથી લઇને અનેક દુર્લભ લીપીઓ સંગ્રહિત કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારની લાલીયાવાડી કેટલી યોગ્ય છે, તે વિચારવું રહ્યું. તાજેતરમાંય યુનિ. હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડ ચોરી (SANDALWOOD TREE THEFT - MSU, VADODARA) થયાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ આજે વધુ ચંદનના ઝાડ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. ત્યારે યુનિ.ની સિક્યોરીટીને લઇને લાપરવાહી વર્તતું તંત્ર ક્યારે ચોક્સાઇ વર્તે છે તે જોવું રહ્યું.
ચંદનના ઝાડ તથા અન્ય રિસ્ક ફેક્ટર અંગે કોઇ માહિતી હોતી નથી
મહારાજા સયાજીરાવ યુનિ.ના સિક્યોરીટી હેડ સુદર્શ વાળાએ મીડિયાને જણાવ્યું કે, બે દિવસ પહેલા ચંદનના ઝાડની ચોરીનો બનાવ બન્યો છે. અમે નિયમીત રીતે સિક્ટોરીટીને તાલિમ આપતા હોઇએ છીએ. આ વખતે તાલિમ એટલા માટે આપી કે, સિક્ટોરીટી ગાર્ડ રોજમદાર હોય છે. તેઓ રોજ બદલાતા હોય છે. બધા ગાર્ડ રોજ હાજર નથી હોતા. થોડા મહિના પછી બીજા નવા ગાર્ડ આવતા હોય છે. તેમને ચંદનના ઝાડ તથા અન્ય રિસ્ક ફેક્ટર અંગે કોઇ માહિતી હોતી નથી. તેની માટે આજે તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ચાર શિફ્ટમાં કામ થાય છે. ચારેય શિફ્ટના સુપરવાઇઝર અને ગાર્ડસને સાથે રાખીને ચંદનના ઝાડ, તથા રિસ્ક ફેક્ટરની વિઝીટ કરીને ગુનાઓ અટકાવવા માટે કઇ તરીકે પોલીસ તથા જરૂરી લોકોનો સંપર્ક કરવા માટેની તાલિમ આપવામાં આવી છે.
ઘટના સમયે એક ગાર્ડ રજા પર હતા
વધુમાં જણાવ્યું કે, અમારી સિક્યોરીટીએ કાયદાની મર્યાદામાં ફરજ બજાવવાની છે. તેમને માત્ર લાકડીનો ઉપયોગ કરવાની છુટ હોય છે. ગાર્ડને એવું લાગે તો તેણે તુરંત પોલીસ તથા ઉપરી અધિકારીઓને જાણ કરવાની છે. ફતેગંજ અને સયાજીગંજના પોલીસ મથકનો સ્ટાફ સતત સંપર્કમાં રહે છે. હેડ ઓફિસમાં ચંદનનું ઝાડ છે, ત્યાં ફક્ત બે ગાર્ડનો પોઇન્ટ છે. ઘટના સમયે એક ગાર્ડ રજા પર હતા. એક માત્ર સિક્યોરીટી ગાર્ડ મોટી જગ્યા ના સંભાળી શકે. આપણે પોલીસ ચોકીની માંગ કરી છે, અને સાથે જ સિક્યોરીટી ગાર્ડ વધારવાની મંજુરી માંગી છે. યુનિ.નો 250 એકરનો વિસ્તાર છે. કેમ્પસમાં વચ્ચેથી ભૂખી કાંસ પસાર થાય છે, તેઓ અવાવરૂ જગ્યા અથવા કાંસના રસ્તે આવ-જા કરતા હોય છે. તેની માટે પોલીસ સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : કડકડતી ઠંડીમાં SSGHના દર્દીઓના સગાને પુઠ્ઠા અને ધાબળા માત્રનો સહારો


