VADODARA : MSU માં ઉજવણી અને કેમ્પસ બહાર વિરોધના દ્રશ્યો
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MSU - VADODARA) આજે વિદ્યાર્થીઓ પર બે અલગ અલગ રંગ છવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આજે યુનિ.માં વિવિધ ડે ના સેલીબ્રેશન અંતર્ગત વિદ્યાર્થીઓ ઉજવણી કરી રહ્યા હતા. જ્યારે કેમ્પસની બહાર એબીવીપી દ્વારા સ્કોલરશીપ નહીં મળવાની વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. (ABVP OPPOSE FOR SCHOLARSHIP ISSUE - MSU, VADODARA) યુનિ. બહાર કરવામાં આવેલા વિરોધને પગલે પોલીસ દોડી આવી હતી. અને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરનારા એબીવીપીના કાર્યકર્તાઓને દુર કરવાની કાર્યવાહી કરી રહી હતી.
ગરબે ઘૂમીને આ દિવસની ઉજવણી કરી
ફેબ્રુઆરી માસમાં વેલેન્ટાઇન ડે પહેલા કોલેજોમાં વિવિધ પ્રકારને ડેની ઉજવણી કરવામાં આવે છે. આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઇને આવ્યા છે. અને તેઓ ગરબે ઘૂમીને આ દિવસની ઉજવણી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આનાથી વિપરીત ઘટના યુનિ. કેમ્પસ બહાર જોવા મળી રહી છે.
એબીવીપીના કાર્યકર્તાઓ રોડ-રસ્તા પર ઉતરી આવ્યા
આજરોજ વિદ્યાર્થી જુથ એબીવીપી દ્વારા રાજ્યભરમાં સ્કોલરશીપમાંથી બાકાત રહેવાના કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત યુનિ. કેમ્પસ બહાર ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા એબીવીપીના કાર્યકર્તાઓ રોડ-રસ્તા પર ઉતરી આવ્યા છે. અને સરકારના પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે. તેમણે રસ્તા પર પરિપત્રની હોળી પણ કરી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી છે. અને સ્થિતી કાબુમાં લેવા માટેના પ્રયત્નો તેજ કરી દીધા છે.
50,000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત થશે
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં. આ જ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024ના વધારાની વિગતો સાથેનો સાથે પરિપત્ર કર્યો છે. જેમાં જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થી વેકન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે, તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે. આ નિર્ણયને પગલે જરૂરિયાતમંદ તબકાના 50,000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત થઇ જનાર છે.
આ પણ વાંચો --- VADODARA : નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી ગોળ ગોળ ફેરવતા વાલીઓ વિફર્યા


