VADODARA : અકોટા-મુજમહુડા રોડ પર 17 મો મસમોટો ભૂવો પડ્યો
VADODARA : વડોદરાના અકોટા-મુજમહુડા રોડ પર 17 મો મસમોટો ભૂવો પડ્યો (HUGE POTHOLES ON ROAD - MUJ MAHUDA, VADODARA) છે. પૂર બાદથી આ રોડ પર પડેલા ભૂવાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની તકલાદી કામગીરી ખુલ્લી પડી જવા પામી છે. બીજી તરફ સ્થાનિકો ટીખળ કરતા આ રોડને ભૂવા રોડનું નામ આપી રહ્યા હોવાની લોકચર્ચા છે.
ભૂવામાં ઠંડાપીણા લઇને જતો ટેમ્પો ફસાઇ ગયો
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર આવ્યા બાદ અકોટાથી મુજમહુડા તરફ જતા 1.5 કિમી અંતરના રસ્તામાં ભારે નુકશાન થવા પામ્યું છે. અહિંયા અત્યાર સુધીમાં 16 નાનાથી લઇને મસમોટા ભૂવાઓ પડ્યા છે. જેના પૂરાણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. છતાંય આ સમસ્યાનું કાયમી સમાધાન મેળવી શકાયું નથી. તાજેતરમાં અકોટા વિસ્તારમાં આવેલી તાજ હોટલ સામે રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો હતો. જે રસ્તા પરનો 17 મો ભૂવો હતો. આ ભૂવામાં ઠંડાપીણા લઇને જતો ટેમ્પો ફસાઇ ગયો હતો. જેને પગલે રસ્તા પર હળવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પાલિકાના કોન્ટ્રાક્ટરની પોલ ખુલી
માલસામાન ભરેલા ટેમ્પાને ભૂવામાંથી બહાર કાઢવા માટે ભારે મહેનત કરવી પડી હતી. ત્યાર બાદ ભૂવા ફરતે બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું છે. જે રીતે આ રસ્તા પર એક પછી એક ભૂવા સામે આવી રહ્યા છે, તેના કારણે પાલિકાના કોન્ટ્રાક્ટરની પોલ ખુલી રહી છે. આટલી ઘટનાઓ બાદ પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાયો નથી. ભૂવો પડવાનો સિલસિલો સ્થાનિકો વચ્ચે મજાકનો વિષય બની ગયો છે. સાથે જ ભૂવાના કારણે હાલાકી પડતા લોકોમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : પેટ્રોલ પંપ પર સિક્કા લેવાનો ઇનકાર, પોલીસ બોલાવવી પડી


