VADODARA : નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂંક શંકાના દાયરામાં
VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા નવા ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલની નિમણૂંક કરી છે. તે બાદ મનોજ પાટીલની નિમણૂંક સામે સવાલો ઉઠવા પામ્યા છે. મનોજ પાટીલે અમદાવાદની યુનિ.માંથી ફાયર સેફ્ટીમાં બીએસસીનો કોર્ષ કર્યો છે, સાથે જ તેમણે મહારાષ્ટ્ર બેંકમાં ફરજ બજાવી હોવાનું પણ ડોક્યૂમેન્ટ્સ પરથી ફલિત થતું હોવાનો આરોપ છે. ત્યારે તેમના ડોક્યૂમેન્ટ્સ પરથી અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેના જવાબ હજી સુધી મળ્યા નથી. જો કે, આ કિસ્સામાં મનોજ પાટીલ પોતે લાયક ઉમેદવાર હોવાનું જણાવી રહ્યા છે. મહારાષ્ટ્રના મનોજ પાટીલને ચીફ ફાયર ઓફિસર બનાવતા અનેક સ્થાનિક ઉમેદવારોનું સ્વપ્ન રોળાયું છે. (NEW CHIEF FIRE OFFICER APPOINTMENT UNDER SCANNER - VADODARA)
પૂરેપૂરી ડિઝાસ્ટર અથવા 24 કલાક સ્ટેશન ઓફિસર તરીકેની લાયકાત નથી
સમગ્ર ઘટનાને લઇને વડોદરામાં કાર્યરત વિશ્વામિત્રી બચાઓ સમિતિના શૈલેષ અમિને મીડિયાને જણાવ્યું કે, નવા ચીફ ફાયર ઓફિસરને મહારાષ્ટ્રથી લાવવા પડ્યા છે. જે ગુજરાત માટે અન્યાય છે. શું ફાયર ઓફિસર બનવા લાયક ઉમેદવાર ગુજરાતમાં નથી ?. તેઓને મહારાષ્ટ્રથી લાવ્યા તો કોઇ રાજકીય દબાણ હશે, અને લઇને આવ્યા હશે..! તેઓ ગુજરાત યુનિ.માં ભણતા હતા, અને મહારાષ્ટ્રમાં નોકરી કરતા હતા. શું તેઓ ફ્લાઇટમાં અપડાઉન કરતા હતા ? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમની પૂરેપૂરી ડિઝાસ્ટર માટેની અથવા 24 કલાક સ્ટેશન ઓફિસર તરીકેની લાયકાત નથી. કારણકે તેમણે તો બેંકમાં નોકરી કરેલી છે.
એક્સપર્ટની ટીમો દ્વારા લાયક ગણીને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો
આ અંગે વડોદરાના ડે. મ્યુનિ. કમિ. કેતન જોષીએ જણાવ્યું કે, ચીફ ફાયર ઓફિસરની ડિગ્રીની ખરાઇ કરવા માટે અમારા તરફથી ફરીથી ગુજરાત યુનિ.માં ડોક્યૂમેન્ટ્સ રજીસ્ટ્રારને મોકલવામાં આવ્યા છે. તેમનો ટેલિફોનીક સંપર્ક પણ કરવામાં આવ્યો છે. તેમના દ્વારા લેટરની ખરાઇ કરીને જણાવવામાં આવશે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો. શિલત મિસ્ત્રીએ જણાવ્યું કે, તેમના ડોક્યૂમેન્ટ્સ મેં જોયા છે. કાગળ પર યોગ્યતા જણાતી હતી. બાદમાં એજન્ડા સ્ટેન્ડિંગ કમિટિમાં આવ્યો હતો. તેઓ અમદાવાદના વેઇટીંગ લિસ્ટમાં હતા, તેમણએ નાગપુરથી કોર્ષ કરેલો છે, ગુજરાત યુનિ.માંથી ફાયર સેફ્ટીમાં બીએસસી કર્યું છે. આ ડોક્યૂમેન્ટ્સ સેલ્ફ એટેસ્ટેટ કરીને રજુ કરવામાં આવી હતી. જે બાદ એક્સપર્ટની ટીમો દ્વારા ઇન્ટરવ્યુ લઇને તેમને લાયક ગણીને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.
મારી પસંદગી યોગ્યતાના આધારે થઇ છે
આ મામલે વડોદરાના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે મીડિયાને જણાવ્યું કે, મારી પસંદગી યોગ્યતાના આધારે થઇ છે. મેં અમદાવાદમાં ડેપ્યુટી CFO ની પોસ્ટ માટે એપ્લાય કર્યું હતું. મેં ત્યાં તમામ પરીક્ષા અને ઇન્ટરવ્યુ પાસ કર્યા હતા. પરંતુ મારૂ સિલેક્શન ત્યાં થઇ શક્યુ ન્હતું. મારી પાસે મારા તમામ સર્ટિફિકેટ અને ડોક્યૂમેન્ટ્સ છે.
આ પણ વાંચો --- VADODARA : યવતેશ્વર ઘાટ પર મહાશિવરાત્રીની ઉજવણી માટે સમિતિ સજ્જ


