VADODARA : બ્રેઇન ડેડ દર્દીના અંગદાન થકી 6 લોકોને નવું જીવન મળશે
VADODARA : વડોદરામાં બ્રેઇન ડેડ દર્દીના પરિવારની સમજાવટ બાદ તેમનું અંગદાન કરવામાં આવ્યું છે. જેના થકી 6 લોકોને નવું જીવન મળશે. વડોદરાની બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ (BAPS Shastriji Maharaj Hospital - Vadodara) ના તબિબો દ્વારા આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે. ગ્રીન કોરીડોર રચીને હ્રદય, લીવર અને કિડની અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવી છે. જ્યારે આંખોને એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી છે. (Brain Dead Person Organ Donation To Save Six Life - Vadodara)
પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે સેવા બજાવતા
વડોદરા સહિત રાજ્યભરમાં અંગદાનને લઇને લોકજાગૃતિ વધી રહી છે. જેના કારણે અંગદાનના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. અને એક વ્યક્તિ જતા જતા અનેકને નવું જીવન આપીને વિદાય લે છે. વડોદરાના રહીશ બિરેનભાઇ પટેલ, બીએપીએસ શ્રી સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે સેવા બજાવતા હતા. તાજેતરમાં તેઓ બ્રેઇન ડેડ થતા તેમને બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબિબો દ્વારા પરિવાર અને કુટુંબીજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
મહાદાન થકી એક ઉમદા અને અનુકરણીય કાર્ય
જે બાદ પરિવારે બ્રેઇન ડેડ બિરેનભાઇ પટેલના અંગદાનનો નિર્ણય લીધો હતો. તેમની બે કિડની, બે આંખ, લીવર, અને હ્રદય મળીને કુલ 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ તકે અંગદાતાના ભાઇએ જણાવ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજ ની જીવન ભાવના બીજાના સુખમાં આપણું સુખ છે એ ચરિતાર્થ કરવા માટે બિરેન ભાઈ ના અંગો નું દાન કરી બિરેનભાઈ ના સ્વર્ગવાસ પછી છ લોકોના જીવનની અંદર ઉજાસ પાથરી છ લોકોના કુટુંબીજનો સસ્મિત જીવન જીવી શકે. તેઓએ અંગદાન મહાદાન કરી એક ઉમદા અને અનુકરણીય કાર્ય પૂરું પાડેલ છે.
લીવર અને કિડની રોડ મારફતે અમદાવાદ મોકલાયા
આજે સવારે 8 વાગ્યે ગ્રીન કોરીડોર મારફતે અંગદાતાના અંગોને લઇ જવામાં આવ્યા હતા. જેમાં હ્રદયને હવાઇ માર્ગે અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. જ્યારે લીવર અને કિડની રોડ મારફતે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે આંખોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.
આ પણ વાંચો --- Union Home Minister Amit Shah : અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જાણો સંપૂર્ણ વિગત


