VADODARA : પેક્ડ મફીન્સ કેકમાંથી મરેલું જીવડું નીકળ્યું
VADODARA : વડોદરા (VADODARA) ની જાણીતી વિમલ બેકરી (Vimal Bakery) ની પેક્ડ એગ ફ્રી મફીન્સમાંથી મરેલું જીવડું નીકળતા ચકચાર મચી જવા પામી છે. અત્યાર સુધીમાં રેસ્ટોરેન્ટમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળવાની ફરિયાદો ઉઠવા પામતી હતી. હવે તો સેફ ગણાતા પેક્ડ ફૂડ આઇટમમાં પણ લોકોએ ધ્યાન રાખીને ખાવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. હાલ આ ઘટનાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા મામલો સપાટી પર આવ્યો છે.
અગાઉ જગદીશ ફરસાણની પેક્ડ ભાખરવડીમાં ફૂગ લાગી ગઇ હોવાનું સામે આવ્યું હતું
આજકાલ ફૂડ આઇટમમાં જીવાત નિકળવી કોઇ નવી વાત નથી રહી. સમયાંતરે રેસ્ટોરેન્ટનું ભોપાળું બહાર આવતું હોય છે. આ પ્રકારના કિસ્સાઓ સપાટી પર આવ્યા બાદ સંચાલકો સામે કાર્યવાહી પણ થતી હોય છે. ત્યારે હવે સામાન્ય રીતે સલામત ગણાતા પેક્ડ ફૂડમાં પણ જોઇને ખાવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અગાઉ જગદીશ ફરસાણની પેક્ડ ભાખરવડીમાં ફૂગ લાગી ગઇ હોવાનું સામે આવ્યું હતું.
ગ્રાહકે મફીન્સ કેક ખરીદી તેને તોડીને ખાવા જતા તેને ધ્રાસ્કો પડ્યો
તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં પેક્ડ ખરીદેલી મફીન્સ કેકમાંથી મરેલું જીવડું નીકળ્યું હોવાની તસ્વીરો ભારે વાયરલ થઇ રહી છે. વાયરલ થયેલી તસ્વીરોમાં એક પ્લાસ્ટીકનું પેકેટ જોવા મળી રહ્યું છે. જેના પર એગ ફ્રી મફીન્સ કેક વિમલ બેકરીનું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેકની બનાવટની તારીખ , 2, ઓક્ટોબર - 2024 છે. તાજેતરમાં ગ્રાહકે મફીન્સ કેક ખરીદી તેને તોડીને ખાવા જતા તેને ધ્રાસ્કો પડ્યો હતો.
પૈસા ખર્ચીને બિમારીના ઘરને આમંત્રણ જેવો ઘાટ
રૂ. 110 ની 200 ગ્રામ ખરીદેલી કેકના ટુકડામાં ગ્રાહકને જીવન ભરનો કડવો અનુભવ થઇ ગયો હતો. આ કિસ્સા પરથી આપણે પણ પડીકા અને પેક્ડ ફૂડ લઇને સીધું ખાતા હોઇએ તો ચેતી જવું જોઇએ. ખાતા પહેલા ખાદ્યપદાર્થ ખાવા યોગ્ય છે કે નહિં તેની ખરાઇ કર્યા બાદ જ ખાવું જોઇએ. નહિં તો પૈસા ખર્ચીને બિમારીના ઘરને આમંત્રણ જેવો ઘાટ સર્જાય તો નવાઇ નહીં.
આ પણ વાંચો -- VADODARA : પહેલા નોરતે ગરબા મેદાન કાદવથી લથપથ, ડિવાઇડર બન્યું પાર્કિંગ સ્ટેન્ડ


