VADODARA : માથાભારે તત્વોએ અંદરો-અંદર બાખડીને પથ્થર માર્યા, લોકોમાં દહેશત
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં આવેલી મધર સ્કુલ પાસે રાત્રીના સમયે માથાભારે તત્વોનો ત્રાસ (HARASSMENT BY ROADSIDE PEOPLE - PADRA, VADODARA) હોવાની ઘટના સામે આવી છે. ગતરોજ તો અહિંયા બેસતા માથાભારે તત્વો વચ્ચે બોલાચાલી, ગાળાગાળી અને ત્યાર બાદ અંદરોઅંદર પથ્થર મારવામાં આવ્યા હોવાનો સ્થાનિકો દ્વારા આરોપ મુકવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવતા તુરંત સ્ટાફ દોડી આવ્યો હતો. અને સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે, અહિંયા નશાની હાલતમાં બેસી રહેતા તત્વોનો ભારે ત્રાસ છે. તેમાંથી મુક્તિ મેળવવા માટે હવે સ્થાનિકોને પોલીસની મદદની આશા છે.
ત્રણ પીસીઆર વાન હોવા છતાં માથાભારે તત્વો ગાંઠતા ન્હતા
પાદરાની કૃષ્ણવાટીમાં રહેતા રહીશે મીડિયાને જણાવ્યું કે, કાયમ માટે અહિંયા ધમાલ થાય છે. ગઇ કાલે અમે જમવા બેઠા હતા. ત્યારે અંદરોઅંદર લડીને પથ્થર માર્યા હતા. જેના કારણે છોકરાઓ ડરી ગયા હતા. આ જગ્યા અડ્ડો બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે. આ દુષણ અંગે અમે અગાઉ પણ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ગઇ કાલે પણ અમે પોલીસને જાણ કરી તો તેઓ આવી પહોંચ્યા હતા. પોલીસની ત્રણ પીસીઆર વાન હોવા છતાં માથાભારે તત્વો ગાંઠતા ન્હતા. અહિંયા નશાની હાલતમાં અવાર-નવાર બબાલ થતી રહે છે. રાત્રે 12 વાગ્યા પછી કેક કાપે છે, અને ધમાલ મચાવે છે, ગઇ કાલે રાત્રે અમે જમવા બેઠા હતા, ત્યારે મોટા અવાજે બુમાબુમ થયો હતો. બહાર નીકળીને જોયું તો અમારી સોસાયટી સુધી એકબીજાને તેઓ પથ્થર મારી રહ્યા હતા. અને અંદરોઅંદર લડી રહ્યા હતા. આમ, કરતા કેટલાકને ઇજાઓ પણ પહોંચી હતી.
અમારે કોની કોની સામે બાથ ભીડવી
વધુમાં જણાવ્યું કે, શાળાની સામે રાત્રી જેવો જ ક્યારેક સવારે પણ માહોલ હોય છે. અમારે કોની કોની સામે બાથ ભીડવી, તેની જગ્યાએ પોલીસ પેટ્રોલીંગ વધારે અને બે જવાનોની અહિંયા બેસાડે તો સ્થિતી સુધરી શકે છે, તેમ લાગી રહ્યું છે. ગઇ કાલની ઘટનામાં તેઓ પોલીસવાળાઓને ગાંઠતા ના હોય તો અમારી શું તાકાત..?
આ પણ વાંચો --- VADODARA : મચ્છીપીઠમાં જુની અદાવતે પાઇપ-બેટ વડે હુમલાથી ઉત્તેજના


