VADODARA : ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે ની ધરપકડ
VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN) પર્વને હજી દોઢ મહિનાથી વધુ જેટલો સમય બાકી છે ત્યારે વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ઉત્તરાયણ - 2025 ના પૂર્વે પ્રથમ વખત ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. પોલીસની કાર્યવાહી જોતા જીવલેણ ચાઇનીઝ દોરી વેચીને રૂપિયા રળવાનું વેપારીઓનું સ્વપ્ન આ વખતે પૂરુ નહિં થાય.
નિયમોને નેવે મુકીને તેનું વેચાણ કરવામાં આવે છે
ચાઇનીઝ દોરા પતંગ કાપવાની સાથે ગળા પણ ચીરી નાંખતા હોવાથી સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, તેમ છતાંય વેપારીઓ દ્વારા કમાઇ લેવાની લાલસાએ નિયમોને નેવે મુકીને તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે આવા લાલચી વેપારીઓ મોતનો સામાન વેચે તે પહેલા જ ઝડપી પાડવા માટે પોલીસ સતર્ક બની છે.
ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી
વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના વડું પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે, એક ટેમ્પામાં ચાઇનીઝ દોરીના જથ્થાને લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીથી મળતો આવતે ટેમ્પો દેખાતા જ તેની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 600 નંગ ચાઇનીઝ દોરીની રીલો મળી આવી હતી.
ચાઇનીઝ દોરી અને ટેમ્પો મળીને કુલ રૂ. 5.30 નો મુદ્દામાલ જપ્ત કર્યો
ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે જયેશ પઢીયાર અને સંદીપ જાદવની ધરપકડ કરી છે. અને કાર્યવાહીમાં ચાઇનીઝ દોરી અને ટેમ્પો મળીને કુલ રૂ. 5.30 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વર્ષની ઉત્તરાયણ પહેલા આ સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે. પોલીસની સતર્કતાને જોતા આ વર્ષે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી નફો કમાઇ લેવાનું વિચારતા વેપારીઓને ફાવતું નહીં મળે, તે નક્કી છે.
આ પણ વાંચો -- VADODARA : પોલીસ અને GST અધિકારીના નામે ફોન કરીને પૈસા પડાવતો ગઠિયો ઝબ્બે


