VADODARA : રાત્રે ઘરે જતા વેપારી લૂંટાયા, ઝાડીમાંથી આવેલા શખ્સો તુટી પડ્યા
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરાના વડુંમાં વેપારી રોકડ તથા ટીફીન લઇને પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન ઝાડીમાંથી અજાણ્યા શખ્સોએ આવીને તેમના પર લાકડી વડે તુટી પડ્યા હતા. જે બાદ વેપારી નીચે પડી ગયા હતા, અને તેમને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. આખરે તમામ વેપારી પાસેથી રોકડા ભરેલી થેલી અને તેમના એક્ટીવાની ચાવી લઇને ઝાડીમાં જ પલાયન થઇ ગયા હતા. આ ઘટના બાદ અન્ય બાઇક ચાલક ત્યાં આવતા વેપારીને તેમની મદદ મળી હતી. અને મિત્રોને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે. ઉપરોક્ત મામલે વડું પોલીસ મથક (VADU POLICE STATION - VADODARA RURAL) માં અજાણ્યા ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. (TRADER LOOTED IN DARK NIGHT - PADRA, VADODARA)
લાકડી વડે માર મારવા માંડ્યા
વડું પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, નિલેષભાઇ અંબાલાલ પટેલ દુધવાડા ગામની સીમમાં શ્રીજી પ્રોવીઝન સ્ટોર ચલાવે છે. તાજેતરમાં તેઓ રાત્રે 8 વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ધંધાના આશરે રૂ. 40 હજાર રોકડા પોતાની થેલીમાં મુકીને ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન બોદાલ કંપની પાછળથી જતા સીધા રસ્તે આવતા વટલાવડું તળાવ પાસે અંધારામાં અચાનક ઝાડીમાંથી ચાર જેટલા અજાણ્યા શખ્સો લાકડી લઇને તેમની પાસે આવ્યા હતા. અને તેમને લાકડી વડે માર મારવા માંડ્યા હતા.
હાથમાંથી થેલી અને એક્ટીવાની ચાવી લઇને નાસી ગયા
લાકડીના ઉપરા-છાપરી ફટકા વાગતા તેમને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. અને તેઓ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ પણ શખ્સોએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાત ફરિયાદીના હાથમાંથી થેલી અને એક્ટીવાની ચાવી લઇને તમામ ઝાડીમાં નાસી ગયા હતા. આ ઘટના બાદ અન્ય બાઇક સવાર પસાર થતા ફરિયાદીએ તેમને ઉભા રાખ્યા હતા. અને તેમના મોબાઇલ ફોનથી પોતાના મિત્ર-પરિચીતોનો જાણ કરી હતી. જે બાદ તેઓ આવી પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. આખરે ઉપરોક્ત મામલે વડું પોલીસ મથકમાં અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : માતા-પિતાએ ભણવા અંગે ઠપકો આપતા બાળકે જીવન ટુંકાવ્યું


