VADODARA : શ્રી નારાયણ વિદ્યાલય શરૂ કરવા માંગ, વાલી-વિદ્યાર્થીના ધરણાં
VADODARA : વડોદરા શહેરના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળાએ જુલાઇ - 2024 માં દિવાલનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદથી સુરક્ષાનું કારણ આગળ ધરીને શાળા બંધ કરી દેવામાં આવી છે. અને વિદ્યાર્થીઓ-શિક્ષકોને અન્ય શાળામાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી શાળામાં સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ અત્યાર સુધી તો ભણ્યા, પરંતુ હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ શ્રી નારાયણ વિદ્યાલયને શરૂ કરવા માટેની માંગ કરી રહ્યા છે. અગાઉ પણ તેમણે ટ્રસ્ટીઓ સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન્હતી. જેથી આજે વધુ એક વખત વાલીઓ અને વિદ્યાર્થીઓએ એકત્ર થઇને શાળા ફરી શરૂ કરવાની પોતાની માંગ દોહરાવી છે. અને તેમના સમર્થનમાં શાળાના શિક્ષકો જોડાયા છે. (STUDENT - PARENTS AGITATE OUTSIDE SHREE NARAYAN VIDHYALAYA - VADODARA)
તમે અમારા સંતાનોના ભવિષ્યનું તો વિચારો..!
પ્રદર્શનકર્તાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, શાળા ચાલુ કરે તેવી અમારી માંગ છે. શાળા સંચાલકો જાડી ચામડીના થઇ ગયા છે. તેમને ફોન કરીએ તો ફોન નથી ઉપાડતા. અમે એક સ્કુલથી બીજી સ્કુલ કરીને થાકી ગયા છીએ. અમે બધી ઓફિસોમાં જઇને થાકી ગયા છીએ. આનો કોઇ નિર્ણય આવતો નથી. આજે આખરે અમે શાળાના વિદ્યાર્થીઓને અહિંયા બેસાડ્યા છે. શાળાના શિક્ષકો પણ અમને સમર્થન કરી રહ્યા છે. દર થોડા દિવસે અલગ અલગ ટાઇમ આપવામાં આવે છે. હવે પરીક્ષા આવી રહી છે, તમે અમારા સંતાનોના ભવિષ્યનું તો વિચારો..!
વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ભવિષ્ય જોડે છેડખાની
અન્ય પ્રદર્શનકર્તાનું કહેવું છે કે, ટ્રસ્ટીઓને કોઇ ફર્ક પડતો નથી. તેઓ આંતરિક વિખવાદમાં પડ્યા છે. તેઓ 2000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ભવિષ્ય જોડે છેડખાની કરી રહ્યા છે. આના માટે અમે ગાંધીનગર સુધી રજુઆત કરી છે. આ લોકોને બને તેટલો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તેમના પેટનું પાણી હાલતું નથી.
કેમ અમારી કારકીર્દિ બગાડો છો ?
વિદ્યાર્થીનું કહેવું છે કે, અમારી શાળા શરૂ થાય તે માટે અમારા મમ્મી-પપ્પાએ ટ્રસ્ટી સાથે વારંવાર મીટીંગ કરી છે. તેમણે શાળા શરૂ કરવા ખાતરી આપી, પરંતુ શાળા શરૂ કરી નથી. કેમ અમારા ભવિષ્ય બગાડો છો ? કેમ અમારી કારકીર્દિ બગાડો છો ? તમારા અંદરો-અંદરના ઝઘડાના કારણે બાળકોનું બલિદાન અપાઇ રહ્યું છે.
ટ્રસ્ટીઓ કોઇ જવાબ આપતા નથી
શિક્ષકો સર્વેનું કહેવું છે કે, બીજી શાળામાં શિક્ષકોને બહાર બેસાડે છે, ત્યાં કોઇ પણ પ્રકારની વ્યવસ્થા નથી. આ જ જગ્યાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સારૂ છે. વિદ્યાર્થીઓને અન્યત્રે જવું નથી, ટ્રસ્ટીઓ કોઇ જવાબ આપતા નથી. આજે વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે, તો અમે તેમના સમર્થનમાં અહિંયા બેઠા છીએ.
ટ્રસ્ટીઓ સાથે લડીશું, બાળકોનું ભવિષ્ય બચાવીશું
વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં પોસ્ટર રાખ્યા છે. જેમાં એકથી એક અણિયારા સવાલો શાળાના સંચાલકોને પુછવામાં આવ્યા છે. બેનમાં લખાયું છે કે, એક નિર્ણય અનેક ભવિષ્ય, શું અમને આ શાળામાં ભણવાનો અધિકાર નથી ?, અમારા બાળકોના ભવિષ્યને બગાડીને ખુશ છો તમે ?, અમારો શું વાંક, ટ્રસ્ટીઓ સાથે લડીશું, બાળકોનું ભવિષ્ય બચાવીશું. અમેરિકામાં એક બાળક માટે શરૂ કરે છે શાળા, અહિંયા 2 હજાર બાળકોની બંધ કરે છે શાળા, વાહ ટ્રસ્ટીઓ વાહ.
આ પણ વાંચો --- VADODARA : પાલિકા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર બિલ્ડિંગમાં અનેક ખામી


