VADODARA : લિસ્ટેડ બુટલેગરને દબોચવા PCB ની ટીમ ભાડે રહી, ત્રીજા દિવસે સફળ
VADODARA : વડોદરા પ્રિવેન્શન ઓફ ક્રાઇમ (VADODARA POLICE - PCB BRANCH) ની ટીમો દ્વારા ફરાર આરોપીઓ પર વિશેષ વોચ રાખવામાં આવે છે. દરમિયાન પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બિશ્નોઇ ગેંગના ફરાર મુખ્ય સુત્રધાર સુરેશ કેશારામ બિશ્નોઇ ગોવામાં હોવાની બાતમી ટીમને મળી હતી. જે બાદ ટીમો તુરંત સ્થળ પર પહોંચી હતી. અને આરોપીને દબોચી લીધો છે.
દબોચવા માટે એક ટીમની રચના કરી
પીસીબીની ટીમ દ્વારા વડોદરાના માંજલપુર, મકરપુરા અને હરણી પોલીસ મથકમાં પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે કુલ મળીને રૂ. 1.64 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ગુનાઓ તેમજ અન્ય શહેરોમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ બિશ્નોઇ ગેંગનો મુખ્ય સાગરીત પૈકીનો વોન્ટેડ આરોપી સુરેશ કેશારામ ઉર્ફે ક્રિષ્ણારામ બિશ્નોઇ ફરાર હતો. આરોપીની ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓમાં સંડોવણી હતી, અને હાલ તે ફરાર હતો, જેથી પીસીબીએ તેને દબોચવા માટે એક ટીમની રચના કરી હતી.
ત્રણ દિવસ સુધી ભાડુઆત તરીકે ધામા નાંખ્યા
આ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા બાતમી મળી કે, આરોપી ગોવામાં રહીને પ્રોહીબીશનનું નેટવર્ક ચલાવે છે. જેથી પીસીબીની ટીમો દ્વારા બાતમીદારોને એક્ટીવ કરવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં તેની હાજરીના મજબુત સંકેતો મળ્યા ત્યાં પીસીબીની ટીમ દ્વારા ત્રણ દિવસ સુધી ભાડુઆત તરીકે ધામા નાંખ્યા હતા. અને વેશપલટો કરીને વોચ રાખવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં અટકાયતમાં લઇને કોર્ટમાં રજુ કરાતા 2 દિવસના રિમાન્ડ મેળવવામાં સફળતા મળી છે.
11 પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે
ઉપરોક્ત કાર્યવાહીમાં ધરપકડ કરાયેલા સુરેશ ઉર્ફે સુનિલ ક્રિષ્ણારામ બિશ્નોઇ (ઢાકા) (રહે. બારૂડી, ગુડા માલાની, બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે વડોદરા શહેર સહિત 11 પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની પુછપરછમાં તેનો નર્મદા, આણંદ, સુરત ગ્રામ્યમાં દારૂનો જથ્થો પકડાયો હોવાનું કબુલ્યું હતું. અને પોતાનું ધરપકડ નહીં થયેલી હોવાનું જણાવ્યું છે. તે રાજસ્થાનમાં પણ નોંધાયેલા કેટલાક ગુનાઓમાં નાસતો ફરતો હોવાની માહિતી તેણે પીસીબીની ટીમને આપી છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ના લંપટ પ્રોફેસરનો ઓડિયો વાયરલ, કહ્યું, 'બ્લાઇન્ડલી ચાલ, હું સેટ કરી દઇશ'


