VADODARA : પેટ્રોલ પંપ પર સિક્કા લેવાનો ઇનકાર, પોલીસ બોલાવવી પડી
VADODARA : વડોદરામાં તાંદલજા-સનફાર્મા રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે. આ પંપ પર ગતરાત્રે સ્થાનિક આધેડે રૂ. 150 નું પેટ્રોલ ભરાવ્યું હતું. જેની ચૂકવણી તેમણે રૂ. 10 ના 15 સિક્કાઓ આપીને કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ફિલરે તમામ સિક્કાઓ સ્વિકારવાનો ઇનકાર કર્યો (PETROL PUMP REFUSE TO ACCEPT RS. 10 COIN - VADODARA) હતો. અને માત્ર પાંચ જ સિક્કા અને બાકીનું રોકડથી અથવા અન્ય રીતે પેમેન્ટ કરવામાં આવે તેવો આગ્રહ સેવ્યો હતો. જે બાદ ગ્રાહક અને ફિલર વચ્ચે રકઝક થઇ હતી., વાત વણસતા ફિલરે પેટ્રોલ પરત કાઢી લેવા જણાવ્યું હતું. જેથી ગ્રાહકે હોબાળો મચાવતા પોલીસને બોલાવી હતી. પોલીસની હાજરીમાં પણ પેટ્રોલપંપ સંચાલક અને ગ્રાહક વચ્ચે બોલાચાલી થઇ હતી. આખરે પોલીસે બંને પક્ષે સમાધાન કરાવવાના પ્રયત્નો કર્યા હતા.
હું પૈસા આપવા રાજી છું, તેઓ સિક્કા સ્વિકારવા તૈયાર નથી
સમગ્ર ઘટનાને લઇને ગ્રાહકે મીડિયાને જણાવ્યું કે, હું તાંદલજા-સનફાર્મા રોડ પર આવેલા પંપ પર પેટ્રોલ ભરાવવા આવ્યો હતો. મેં રૂ. 150 નું પેટ્રોલ ભરાવ્યું હતું. જેના મેં રૂ. 10 ના સિક્કા લેખે 15 સિક્કા આપ્યા હતા. તો ફિલરે તે સિક્કાઓ લેવાનો ઇનકાર કર્યો હતો. ફિલરે જણાવ્યું કે, અમે 5 સિક્કાથી વધારે લઇશું નહીં. જો તેમ હોય તો અમે ભરેલું પેટ્રોલ પાછુ કાઢી લઇએ. હું પૈસા આપવા રાજી છું, પરંતુ તેઓ સિક્કા સ્વિકારવા તૈયાર નથી. આ અંગે મેં 100 નંબર પર પોલીસને ફોન કરીને જાણ કરી હતી. તો તેમણે પંપના સંચાલક જોડે વાત કરાવવા જણાવ્યું હતું. જો કે, સંચાલકો તેમની જોડે ટેલિફોન પર વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
હું ક્યાં આપવા જાઉં ? બેંકની મુખ્ય શાખા પણ સિક્કાઓ સ્વિકારતી નથી
પેટ્રોલ પંપના સંચાલકે મીડિયાને જણાવ્યું કે, બેંક અમારી પાસેથી રોજના 100 સિક્કા લે છે. તેનાથી એક પણ વધારાનો સિક્કો તેઓ સ્વિકારતા નથી. મેં તેમને વિનંતી કરી કે, તમે રૂ. 10 ના 5 સિક્કા આપી દો, અને બાકીની ચૂકવણી માટે ચલણી નોટ આપી દો. તેઓ વાત માનવા તૈયાર નથી. તેઓ સામે નિયમ બતાવવાનું કહી રહ્યા છે. મારી પાસે આશરે રૂ. 2.50 લાખના મૂલ્યના ચલણી સિક્કા પડ્યા છે. હું ક્યાં આપવા જાઉં ? બેંકની મુખ્ય શાખા પણ સિક્કાઓ સ્વિકારતી નથી. બેંકમાં પણ અલગ અલગ મૂલ્યના સિક્કાની પોટલીઓ બનાવીને લઇ જવી પડે છે. બેંકમાં પ્રતિદિન 100 નંગ સિક્કાની એક પોટલી જ સ્વિકારમાં આવે છે. તેનાથી એક વધારાનો સિક્કો નથી લેતા. જો કે, આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અને પંપ સંચાલક અને ગ્રાહક વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ પણ વાંચો --- Ahmedabad: ધોળકા તાલુકામાં ચોરીના ઈરાદે આવેલા શખ્સે કરી વૃદ્ધાની કરપીણ હત્યા


