VADODARA : ચોર અને જ્વેલર્સનું ગજબ કનેક્શન, લાખોના ઘરેણા જપ્ત
VADODARA : વડોદરાના મકરપુરામાં સીકલીગર ગેંગના ચોર અને જ્વેલર્સ વચ્ચે ગજબ કનેક્શન સામે આવ્યું છે. આરોપી ચોરી કરીને મુદ્દામાલને જ્વેલર્સને ત્યાં ગીરવે મુકી દેતો હતો. ચોર પકડાયા બાદ પોલીસે તેના બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. તેમાં તેણે જ્વેલર્સને ત્યાં ચોરીનો મુદ્દામાલ ગીરવે મુક્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં જ્વેલર્સને ત્યાં તપાસ કરતા લાખોનો મુદ્દામાલ મળી આવ્યો હતો. (THIEVES AND JEWELRY CONNECTION, POLICE CAUGHT BATH - VADODARA)
PSI અને પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી
તાજેતરમાં મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન PSI અને પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, તરસાલી વુડાના મકાનમાં રહેતો કર્માસિંગ જીવણસિંગ દુધાણી (સીકરીગર) હાઇવે પર આવેલા ઝીલીશીયન કોમ્પલેક્ષ પાસેથી કાચા રસ્તે અમરશ્રદ્ધા વુડા તરફ જવાના રસ્તા પર બાઇક લઇને ચોરીના ઘરેણા વેચવા માટે નીકળ્યો છે. બાતમી મળતાની સાથે જ ટીમ સ્થળ પર જવા રવાના થઇ હતી. સ્થળ પરથી કર્માસિંગ મળી આવ્યો હતો. તેની પાસેથી સોનાનું મંગળસુત્ર, પેંડલ, નાના મણકા, ચાંદીની ઝાંઝર, છડા, સોનાના ઝુમ્મર, સેરની સાથે મોબાઇલ અને ડીસમીસ મળી આવ્યા હતા. કિંમતી વસ્તુઓ અંગે તેની પાસે પુરાવા માંગતા તે આપી શક્યો ન્હતો.
માનસી જ્વેલર્સને ત્યાં ગીરવે મુક્યા હોવાની કબુલાત આપી
ત્યાર બાદ પોલીસે ફરિયાદીનો બોલાવ્યા હતા. અને તેમણે વર્ણન કરેલા દાગીના તેમને બતાવ્યા હતા. જે તેમણે ઓળખી કાઢતા મકરપુરા પોલીસ મથકનો કેસ ઉકેલાયો હતો. આ મામલે આરોપીના બે દિવસની રિમાન્ડ મેળવીને તેની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે આ ચોરીના દાગીના તેણે નરેન્દ્રભાઇ શાહ (સોની) માનસી જ્વેલર્સ, તરસાલીને ત્યાં ગીરવે મુક્યા હોવાની કબુલાત આપી હતી. ત્ચાર બાદ તેને સાથે રાખીને માનસી જ્વેલર્સમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મકરપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે માનસી જ્વેલર્સના નરેન્દ્રભાઇ શાહ પાસેથી રૂ. 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે બાદ પોલીસે સોનીની અટકાયત કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
બે ની ધરપકડ, બે વોન્ટેડ જાહેર
પોલીસે ઉપરોક્ત મામલે કર્માસિંગ જીવણસિંગ દુધાણી (સીકલીગર) (રહે. તરસાલી, વુડાના મકાન, સ્મશાન પાસે, વડોદરા) અને નરેન્દ્ર કૈલાશચંદ્ર શાહ (સોની) (રહે. સહજાનંદ ઇરીસલ, તુલસીધામ. માંજલપુર, વડોદરા) ની ધરપકડ કરી છે. જ્યારે ગોવિંદસિંગ અમૃસિંગ સીકલીગર (રહે. ઘાઘરેટીયા, વડોદરા) અને ચંદનસિંગ જીવણસિંગ દુધાણી (રહે. તરસાલી વુડા, વડોદરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કર્માસિંગ પાસેથી કુલ મળીને રૂ. 2.27 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. જ્યારે નરેન્દ્ર શાહ પાસેથી સોનુ-ચાંદી મળીને કુલ રૂ. 9.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : શંકાસ્પદ પ્રવાહી છાંટી દુકાનમાં આગ લગાડવાનો પ્રયાસ