VADODARA : રોડ પર પડેલા ભૂવામાં ટેમ્પાનું આખું ટાયર ખૂંપી ગયુ
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસા દરમિયાન એટલા બધા ખાડા પડે છે કે, તેને વિપક્ષ દ્વારા ભૂવા નગરીનું નામ આપવામાં આવે છે. ત્યારે હવે તો એવા દિવસો ચાલી રહ્યા છે, જેમાં વગર ચોમાસે પણ ભૂવા પડે છે. સમયાંતરે નવા નવા વિસ્તારોમાં ભૂવા પ્રગટ થતા રહે છે. આ સિલસિલો અટકાવવામાં પાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. આજે વડોદરાના સંતોક ચેમ્બર્સ પાસે રોડ પર મસમોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં સિમેન્ટની ગુણો લાદીને જતા ટેમ્પાનું ટાયર ખૂંપી ગયું છે. જેથી ગુણો દુર કરીને ટેમ્પાને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વગર વરસાદે, અને વગર ચોમાસાએ આ ભૂવા પડી રહ્યા છે
વડોદરા સહિત રાજ્યભરમાં સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડતા હોય છે. પરંતુ વડોદરામાં સમય સાથે ભૂવા પ્રગટ થવાની રૂતુ પણ બદલાઇ ગઇ હોવાનું ધ્યાને આવી રહ્યું છે. હવે તો વગર વરસાદે, અને વગર ચોમાસાએ આ ભૂવા પડી રહ્યા છે. અને આ સિલસિલો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. જેનું તંત્ર પાસે કોઇ નિરાકરણ નહીં હોવાનું લાગી રહ્યું છે. આજે વડોદરાની સેન્ટ જોસેફ સ્કુલ, સંતોક ચેમ્બર્સ પાસે સરદાર નગર કોર્નર નજીકમાં રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. અને દુર્ભાગ્યવશ આ ભૂવામાં સિમેન્ટ લાદીને લઇ જતો ટેમ્પાનું પાછળનું ટાયર ખૂંપી ગયું છે.
કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી ગોબાચારી સપાટી પર આવી
આ ટાયર એટલું અંદર સુધી ખૂંપી ગયું હતું કે, તેના કારણે બાકીના ત્રણ ટાયર અદ્ધર થઇ ગયા હતા. જેને પગલે રોડ રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી ગોબાચારી સપાટી પર આવવા પામી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રસ્તામાં ખૂંપી ગયેલા ટેમ્પાને કાઢવા માટે પહેલા તેમાંથી સિમેન્ટની ગુણો હટાવવામાં આવી રહી છે. ત્યાર બાદ અન્ય સાધનની મદદથી તેને બહાર કાઢવામાં આવનાર છે.
આ પણ વાંચો -- VADODARA : બીજા દિવસે દબાણો દુર કરવાનું જારી, પોલીસ પહેલા પાલિકા પહોંચી


