VADODARA : ડભોઇ પાસે ટ્રેન અકસ્માતમાં દીપડાનું મોત
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (VADODARA RURAL DABHOI) તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે ગત મોડી રાત્રે દીપડાનું કરુણ મોત (LEOPARD DEATH BY TRAIN ACCIDENT - VADODARA, DABHOI) નીપજ્યું હતું. ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર થી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેનની પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું હતું. દીપડાની ઉંમર અંદાજિત 11 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃત દીપડાનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પીએમ ની તજવીજ હાથ ધરી હતી. તે બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
બ્રિજ ફરતે ફેન્સીંગ ઊભી કરવાની વ્યવસ્થા જરૂરી
પહેલો અકસ્માત માર્ચ 2024 માં બન્યો હતો. બીજો 23 જાન્યુઆરી 2025 અને ત્રીજો બનાવ આજરોજ બન્યો છે. એક જ સ્થળે દીપડાના મોતની ત્રીજી ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે. વન વિભાગ અને રેલવે તંત્ર સાથે મળી બ્રિજ ફરતે ફેન્સીંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં કરે તો હજુ પણ વધારે દીપડા મોતને ભેટવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આ વિસ્તારમાં ઘણા દિપડાઓ માનવીને નુકસાન પહોંચાડ્યા વિના કરે છે, તેવું માનવામાં આવે છે.
ત્રણ બનાવો બન્યા પછી પણ અરજીની રાહ
આ મામલે વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અમે પિંજરા મુકીશું. જો કે, લોકોમાં ગણગણાટ છે કે, શું ત્રણ ત્રણ બનાવો બન્યા પછી પણ અરજીની રાહ વન વિભાગના અધિકારીઓ જોઈ રહ્યા છે, શું અવાર-નવાર આવા મૂંગા જાનવરોનું મોત થતું રહેશે, કેમ વન વિભાગના અધિકારીઓ અરજીની રાહ જોઈને બેઠા છે, કે પછી બીજો કોઈ દીપડો મરી જશે ત્યારે જ પિંજરા મુકાશે.
આ પણ વાંચો --- VADODARA : પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતા સ્થાનિકોનો સયાજીપુરા ટાંકીએ હલ્લાબોલ


