VADODARA : ધોળે દહાદે હાથફેરો કરતો રીઢો તસ્કર ઝબ્બે, 5 ગુના ઉકેલાયા
VADODARA : ધોળે દહાડે બંધ ઘરોને ટાર્ગેટ કરતા રીઢા ચોરને વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) અને કરજણ પોલીસ (KARJAN POLICE STATION - VADODARA RURAL) ની ટીમો દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપીને પકડી પાડતા 6 ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાવવા પામ્યા છે. એક જ પ્રકારની એમઓ દ્વારા ગ્રામ્યમાં ચોરીના એક પછી એક કિસ્સાઓ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી. જેમાં સફળતા મળી છે.
ટીમે તેની વોચ ગોઠવીને ધરપકડ કરી
તાજેતરમાં વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં ધોળે દહાડે બંધ ઘરોમાં હાથફેરાની અનેક ઘટનાઓ સામે આવી હતી. આ તમામ કેસોમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી થકી ગુનો આચરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસ મથકની વિવિધ ટીમો તપાસમાં જોતરાઇ હતી. ટીમો દ્વારા પ્રોજેક્ટ મેન્ટર હેઠળ સામેલ આરોપીઓને ચેક કરવાની કામગીરી ચાલતી હતી. તેવામાં ટીમ રીઢા ચોર નિહાલ ઉર્ફે નેહલ રાજેન્દ્રકુમાર બારોટ (રહે. વડોદરા) ની તલાશમાં હતી. જે બાદ વધુ તપાસ કરતા બાતમી મળી કે, આરોપી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેથી ટીમે તેની વોચ ગોઠવીને ધરપકડ કરી હતી.
ચોરીના કિસ્સામાં કરજણ કોર્ટમાં મુદતમાં ગયો હતો
આરોપીની ધરપકડ બાદ તેની જડતી કરતા ટુ વ્હીલરમાંથી રોકડ રકમ મળી આવી હતી. જે બાદ તેની કડકાઇ પૂર્વક પુછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે, 19, ફેબ્રુઆરીના રોજ તે સાંસરોદ ગામે બનેલી ચોરીના કિસ્સામાં કરજણ કોર્ટમાં મુદતમાં ગયો હતો. તેની કાર્યવાહી પૂર્ણ થતા તેણે વળતા બંધ મકાનનું તાળું ડીસમીસથી તોડીને પ્રવેશ મેળવ્યો હતો. અને તિજોરીમાં મુકેલા દાગીના તફડાવ્યા હતા.
એકલો જ ચોરી કરવા માટે ટેવાયેલો
આરોપી સામે ડભોઇ, મંજુસર, વડોદરા તાલુકા, પાદરા, વડું પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા છે. પોલીસે આરકોપી પાસેથી રોકડા, મોબાઇલ, વાહન સહિત રૂ. 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે અલગ અલગ પોલીસ મથકમાં 11 જેટલા ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. આરોપી દિવસે બંધ મકાનની રેકી કરીને તેને ટાર્ગેટ કરતો હતો. તમામ ચોરીના ગુનાઓમાં તે કોઇને સાથે રાખતો નથી. તે એકલો જ ચોરી કરવા માટે ટેવાયેલો છે.
આ પણ વાંચો --- VADODARA : રૂ. 3.37 કરોડનું સિન્થેટીક MD ડ્રગ્સ ઝડપતી જિલ્લા SOG


