VADODARA : શેરબજારમાં રોકાણના નામે ઠગાઇનું મોટું કૌભાંડ ઝડપાયું, એક ડઝન સામે ફરિયાદ
VADODARA : વડોદરા ગ્રામ્યના કરજણ (VADODARA RURAL - KARJAN) માં એક જ ઘરમાં 12 જેટલા શખ્સો એકત્ર થઇને ગેરકાયદેસર પ્રવૃત્તિએ કરતી હોવાની બાતમી મળતા પોલીસ પહોંચી હતી. પોલીસે જઇને તપાસ કરતા મુળ મહેસાણાના 11 લોકો મળી આવ્યા હતા. તેમની પાસેથી લોકોના નામ-નંબરની યાદી, મોબાઇલ વગેેરે મળી આવ્યા હતા. પોલીસે કડકાઇ દાખવતા શખ્સ ભાંગી પડ્યો હોવાનું અને તેઓ શેરબજારમાં રોકાણના નામે છેતરપીંડિ (SHARE MARKET TRADING SCAM) કરતા હોવાનું વિગતવાર જણાવ્યું હતું. આખરે આ મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મકાન ભાડે રાખ્યું હતું
કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 12, ડિસે.ના રોજ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સાંસરોદ ચોકડી પાસે પહોંચતા પી.એસ.આઇ.ને બાતમી મળી કે, હલદરવા ગામની સીમમાં આવેલા રોયલ વિકેન્ડ હોમ સોસાયટીમાં માણસો એકઠા થઇને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. બાદમાં પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પંચોને સાથે રાખીને ઘરનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો. જેમાં એક માણસે દરવાજો ખોલ્યો હતો, તેણે તેનું નામ મેહુલજી બકાજી રબારી (રહે. નવાપુરા ગામ, ઠાકોર વાસ, મહેસાણા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં મકાનમાં તપાસ કરતા 10 ઇસમો મળી આવ્યા હતા. તેમની પાસેથી 12 મોબાઇલ, નોટબુક, ચોપડો, કાગળો, સીમકાર્ડ મળી આવ્યા હતા. નોટબુકના પેજમાં મોબાઇલ નંબર, શહેર, નામ, તારીખ લખવામાં આવી હતી. આ મકાન ભાડે રાખ્યું હોવાનું હાજર પૈકી એક શખ્સે જણાવ્યું હતું.
સારો પ્રોફિટ મળશે તેવી વાત કરી ગ્રાહકને તૈયાર કરવાના હતા
તમામ મોબાઇલની માલિકી તથા એક સાથે આટલી મોટી સંખ્યામાં એક જ ઘરમાં હાજરી અંગે કોઇ ચોક્કસ જવાબ આપી શક્યા ન્હતા. બાદમાં એક શખ્સ ભાંગી પડ્યો હતો. અને તેણે જણાવ્યું કે, રાહુલ ઠાકોર (રહે. વડનગર) અને આસીફ ઉર્ફે આરીફ (રહે. પાટણ) એ કરજણનું ભાડાનું મકાન કરી આપીને ફોન, સિમકાર્ડ તથા ગ્રાહકોના નામ-નંબર સાથેનું લિસ્ટ આપ્યું હતું. તેમને શરૂઆતમાં પોતાનું ખોટું નામ આપીને શેરબજારમાં રોકાણ કરવા અંગે બે-ત્રણ દિવસ સુધી માર્કેટ પ્લસ નામની એપ માં વધઘટ જોઇને જરૂરી ગાઇડન્સ આપવાનું હતું. બાદમાં ગ્રાહકને તેના ઓનલાઇન ડિમેટ એકાઉન્ટમાં લિમિટ મળતી નથી. જેથી તેમના બ્રોકર પાસે ઓફલાઇન ડિમેટ એકાઉન્ટ ખોલાવીને તેમાં સારો પ્રોફિટ મળશે તેવી વાત કરી ગ્રાહકને તૈયાર કરવાના હતા. બાદમાં જે ગ્રાહક તૈયાર થાય તેને બ્રોકર તરીકેની ઓળખ આપીને ડિમેટ એકાઉન્ટ આપીને પ્રોફિટ કરી આપીશ તેમ કહી તેના પૈસાનું રોકાણ કરવાનું હતું. અને વર્ચ્યુઅલ એપ મારફતે બજારમાં રોકાણ કરાવવાનું હતું. બાદમાં સ્ક્રીન શોટ લઇને લોકો ક્રોપ કરીને ગ્રાહકને મોકલીને તેનું નુકશાન થયું હોવાનું જણાવીને છેતરપીંડિ કરવામાં આવતી હતી.
મોટું કૌભાંડ ખુલવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી
આ રીતે દિલ્હીના રાજા નામના વ્યક્તિને પ્રોફીટ આપવાનું કહીને પ્રથમ રૂ. 21 હજાર અને ત્યાર બાદ રૂ. 4 લાખ એકાઉન્ટમાં નંખાવીને છેતરપીંડિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી કુલ મળીને રૂ. 55 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાંં આવે તો મોટું કૌભાંડ ખુલવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આરોપીઓના નામો
- મેહુલ બકાજી ઠાકોર (રહે. નવાપુરા, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા)
- દિપકજી સોમાજી ઠાકોર (રહે. ગોઠવા, આણથણો, વિસનગર, મહેસાણા)
- જુગાજી શૈલેષજી ઠાકોર (રહે. નવાગામ, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા)
- સેંધાજી લવંગજી ઠાકોર (રહે. નવાપુરા, વડનગર, મહેસાણા)
- વિશાલજી શૈલેષજી ઠાકોર (રહે. ગોઠવા, આણથણો, વિસનગર, મહેસાણા)
- વિશાલજી અશ્વિનજી ઠાકોર (રહે. નવાપુરા, વડનગર, મહેસાણા)
- પૃથ્વીજી કિર્તીજી ઠાકોર (રહે. વિસનગર, દિપડા દરવાજા, વચલોવાસ, મહેસાણા)
- ઉત્તમજી લાલાજી ઠાકોર (રહે. નવાપુરા, ઠાકોરવાસ, વડનગર, મહેસાણા)
- ચેતનજી કસાજી ઠાકોર (રહે. નવાપુરા, વડનગર, મહેસાણા)
- મેહુલજી શનાજી ઠાકોર (રહે. છાબલિયા, મોટાવાસ, વડનગર, મહેસાણા)
- વિરમજી દશરથજી ઠાકોર (રહે. શાહપુરા, બોરીયાપુરા, વડનગર, મહેસાણા)
- આસીફભાઇ ઉર્ફે આરીફ (રહે. પાટણ)
- રાહુલ ઠાકોર (રહે. વડનગર મહેસાણા) (તમામ હાલ રહે. રોયલ વિકેન્ડ હોમ, હલદરવા, કરજણ, વડોદરા ગ્રામ્ય)
આ પણ વાંચો -- Bhavnagar: ભાવનગર રેન્જ IGનું સરપ્રાઈઝ ચેકિંગ, નિષ્ઠાવાન પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી


