VADODARA : સાવલી નગર પાલિકાનું વીજ કનેક્શન કપાતા અંધારપટ છવાયો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતી સાવલી નગર પાલિકાનુ રૂ. 3.44 કરોડનું વીજબિલનું લેણું બાકી નીકળતા ગતરોજ વીજ કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે. જેને પગલે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અગાઉ પણ વર્ષો પહેલા વીજબીલ નહીં ભરપાઇ કરતા કનેક્શન કપાયું હતું. અને નગરજનોએ ભોગવવાનો વારો આવ્યો હતો. તે ઘટના પરથી બોધપાઠ નહીં લેતા આજે ફરી એક વખત તેનું પુનરાવર્તન થયું છે. (SAVLI NAGAR PALIKA ELECTRICITY CONNECTION CUT DUE TO BILL PAYMENT - VADODARA)
મોટા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ થઇ
મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજ બીલના બાકી નાણાંની વસુલાત તેજ કરવાાં આવી છે. જેમાં સરકારી, અર્ધસરકારી કચેરીઓના મોટા બાકીદારો પર એક પછી એક તવાઇ આવી રહી છે. ગત સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતી સાવલી નગર પાલિકાનું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. જેેને પગલે સાવલી પોલીસ સ્ટેશન આગળ, સરદાર નગર, એસ બી આઈ બેંક, શિવમ સોસાયટી, વૃંદાવન સોસાયટી, પોઇચા ચોકડી, યંગ બ્લડ, પરબડી ચોક, તમામ મોટા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. જેને પગલે આખરે નાગરિકોએ ભોગવવાનો વારો આવ્યો હતો.
ત્રણ વિભાગની દાંડાઇ ભારે પડી
સુત્રોના જણાવ્યા અનુસાર, સાવલી નગર પાલિકાનું કુલ મળીને રૂ. 3.44 કરોડનું વીજબીલ બાકી છે. તે પૈકી રૂ. 83.71 લાખ સ્ટ્રીટ લાઇટ વિભાગ, રૂ. 1.90 કરોડ વોટર વર્કસ વિભાગ અને કોમર્શિયલ રૂ. 69.18 લાખનું વિજબીલ બાકી છે. અગાઉ પાલિકા દ્વારા હપ્તે હપ્તે વીજબીલ ભરપાઇ કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સુત્રોએ જણાવ્યું કે, વર્ષ 2010 માં પણ સાવલી નગર પાલીકાનું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. તે સમયે ધારાસભ્ય કેતન ઇનામદાર આકરા પાણીએ થયા હતા. આ વખતે કેતન ઇનામદાર દ્વારા વારંવાર ટકોર છતાં બીલ ભરપાઇ કરવામાં નહીં આવતા આખરે વીજ કંપનીએ અંતિમ પગલું ભરતા કનેક્શન કાપી નાંખ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરાના યુવકનું મુંબઇમાં અપહરણ, દોઢ કરોડ પડાવ્યા


