VADODARA : સાવલી કોર્ટ પરિસરમાં આગનું છમકલું, ધૂમાડો ફેલાતા ઉત્તેજના
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના કોર્ટ પરિસરના મેદાનમાં આજે આગનું છમકલું સામે આવ્યું છે. મેદાનમાં એકાએક આગ લાગતા ધૂમાડા પરિસરભરમાં ફેલાયા હતા. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે પ્રથમ સાવલી ફાયર બ્રિગેડમાં જાણ કરવામાં આવી હતી. જો કે તેમની પાસેના ફાયર વાહનમાં યાંત્રિક ખામી સર્જાતા વડોદરાની મંજુસર જીઆઇડીસી વિસ્તારમાંથી જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને સ્થિતી કાબુમાં લીધી હતી. (SAVLI COURT GROUND CAUGHT FIRE - VADODARA RURAL)
વકીલો અને કોર્ટ કર્મચારીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયત્નો કરાયા
વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના કાર્ટ પરિસરમાં આજે રજા બાદ અરજદારો તથા અન્યની અવર-જવર વચ્ચે આગનું છમકલું સામે આવ્યું છે. કોર્ટ પરિસરના મેદાનમાં આજે સવારના સમયે આગ લાગવાની ઘટના બાદ ધૂમાડા પરિસરભરમાં ફેલાયા હતા. ધૂમાડાને પગલે સ્થળ પર ઉત્તેજના વ્યાપી ગઇ હતી. ઘટના અંગે પ્રથમ સાવલી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જો કે, તેમની પાસેના ફાયર ટેન્ડરમાં યાંત્રિક ખામી સર્જાઇ હોવાના કારણે તેઓ પહોંચી શકે તેમ ન્હતું. આખરે સ્થિતી પર કાબુ મેળવવા માટે વડોદરાના મંજુસર જીઆઇડીસી ખાતેથી ફાયર ટેન્ડર સહિત જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. ફાયર જવાનો સ્થળ પર પહોંચે તે પહેલા વકીલો અને કોર્ટ કર્મચારીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
તમામે રાહતનો શ્વાસ લીધો
આખરે વડોદરાના મંજુસર જીઆઇડીસી ખાતેથી ફાયર ટેન્ડર સહિત જવાનોએ સ્થળ પર પહોંચીને સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. સ્થિતી થાળે પડતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક સુત્રોએ જણાવ્યું કે, આગની ઘટનામાં જાનમાલની કોઇ પણ નુકશાની થઇ નથી. બીજી બાજુ આગ લાગવા પાછળનું કોઇ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો --- VADODARA : પાછલા દરવાજેથી સ્ટોરરૂમમાં ઘૂસી રૂ. 32 લાખના કેબલની ચોરી


