VADODARA : સાવલીની કેમિકલ કંપનીમાંથી સફેદ ધુમાડા નીકળતા દોડધામ
VADODARA : વડોદરા (VADODARA) ના સાવલી (SAVLI - MANJUSAR GIDC) માં સલ્ફર બનાવતી કંપનીમાં બપોરના સમયે સફેદ ઘૂમાડા નીકળતા ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ થતા આસપાસના એકમોમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો તેજ કરી દીધા હતા.
બળવાની દુર્ગંધ ફેલાઇ
વડોદરા શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કેમિકલ તથા અન્ય ઔદ્યોગિક એકમો આવેલા છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીના મંજુસર ખાતે મારૂતિ કોર્પો. પ્રા. લિ. નામની ખાનગી કંપની આવેલી છે. આ કંપનીમાં સલ્ફરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની પ્રાથમિક છે. આજે બપોરના સમયે આ કંપનીના પ્લાન્ટમાંથી આગ લાગવાના કારણે સફેદ કલરના ઘૂમાડા નીકળ્યા હતા. અને બળવાની દુર્ગંધ ફેલાઇ હતી. જેને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.
આગની ઘટનામાં જાનહાની નહીં
આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકો સ્થળ પાસે દોડી આવ્યા હતા. સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત ટીમો દોડી આવી હતી. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઘટનાને પગલે કોઇ જાનહાની થઇ ના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ તબક્કે આગને ફેલાતા અટકાવવામાં ફાયરના જવાનોને સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા પાછળના કારણ અંગે કંઇ નક્કર જાણી શકાયું નથી.
સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ડરનો માહોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કોઇ જગ્યાએ આગ લાગે ત્યારે કાળા કલરના ઘૂમાડા નીકળતા હોય છે. પરંતુ આ કેમિકલ ફેક્ટરી હોવાથી આગ લાગવાના કારણે સફેદ કલરના ધૂમાડા નીકળ્યા હતા. જેને પહલે સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ડરનો માહોલ વ્યાપ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : 2 દિવસ પૂર્વે બનેલો રોડ ગેસ લાઇન નાંખવા માટે તોડી નંખાયો


