VADODARA : સાવલીમાં રોડ પરના ખાડાને એક વર્ષ થતા કેક કાપી ચોકલેટ વહેંચી
VADODARA : વડોદરા (VADODARA) પાસેના સાવલી (SAVLI) માં રોડ-રસ્તા પરના ખાડાઓની સમસ્યા એક વર્ષથી યથાવત રહેતા તેનો વિરોધ કરવા માટે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સાવલી નગરપાલિકાના હસમુખ પટેલ તથા અન્ય જાગૃત નાગરિકોએ ભેગા મળીને ખાડાવાળા રસ્તા વચ્ચે કેક કાપીને લોલીપોપ ચોકલેટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ અંગે જાણ થતા સાવલી સેવા સદન દ્વારા ખાડા રીપેરીંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એક વર્ષથી લોકોને પડતી હાલાકી સામે અનોખો વિરોધ શરૂ થાય તે પહેલા જ પાલિકાની મશીનરી કામે લાગી હતી. ત્યારે લોકોમાં સવાલ છે કે, આ ખાડા પુરવા માટે એક વર્ષ જેટલો સમય કેમ લાગ્યો !
તંત્રના પેટનું પાણી હાલ્યું ન્હતું
વડોદરા પાસે સાવલી નગરના હાલ બેહાલ થયાનું અવાર-નવાર સામે આવતું રહે છે. અગાઉ ગટરના તુટેલા ઢાંકણા, રોડ રસ્તાઓની સમસ્યા સામે આવી ચુકી છે. ત્યારે હવે સાવલીમાં ઉબડ-ખાબડ રસ્તાઓને એક વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થતા વિરોધ પક્ષના નેતા અને અન્ય જાગૃત નાગરિકો દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન વારંવાર રજુઆત છતાં તંત્રના પેટનું પાણી હાલ્યું ન્હતું. આખરે હસુભાઇ પટેલ તથા અન્ય જાગૃત નાગરિકો દ્વારા ખાડાને એક વર્ષ થયા કેક કાપીને લોલીપોપ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વાત તંત્ર સુધી પહોંચતા જ તાત્કાલીક ખાડા દુર કરવા માટે મશીનરી કામે લાગી હતી.
કામગીરી તંત્રની લોલીપોપ સમાન
સાવલી વિરોધ પક્ષના નેતા હસુભાઇ પટેલે જણાવ્યું કે, આજરોજ સાવલીમાં ખાડાને એક વર્ષ થતા અમારા દ્વારા કેક કાપીને ચોકલેટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે પહેલા જ પાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં અમે કાર્યક્રમ કર્યો, લોકોને લોલીપોપ આપી, આ કામગીરી પણ તંત્રની લોલીપોપ સમાન જ છે. ફરી વરસાદ પડશે અને આ પરિસ્થિતીનું સર્જન થશે. નગર સેવાસદનનું નામ મેવાસદન થઇ ગયું છે. આ લોકોની ઇચ્છા શક્તિ જ નથી.
આ પણ વાંચો -- તારી લાઈફ બનાવી દઈશ કહીં, માસાએ ભાણી સાથે 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું