VADODARA : મચ્છીપીઠમાં જુની અદાવતે પાઇપ-બેટ વડે હુમલાથી ઉત્તેજના
VADODARA : વડોદરા (VADODARA) ના સંવેદનશીલ વિસ્તાર ગણાતા મચ્છીપીઠમાં ગતરાત્રે જુની અદાવતે મારામારીની ઘટના સામે આવી હતી. ઘટના બાદ પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. અને મામલો થાળેે પાડ્યો હતો. જે મામલે 7 આરોપીઓ સામે નામજોગ તથા અન્ય ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નસીમબાનું છોડાવવા વચ્ચે પડ્યા
કારેલીબાગ પોલીસ મથકમાં યામીન નુરઉદ્દીન ધોબી (રહે. વાડી, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે તે 11 કલાકે એમ. કે શાવર હોટલમાં નોકરી પર હતા. શબ્બ એ બારાતને તહેવાર આવતો હોવાથી સમાજના લોકો એકબીજાને મળતા હોય છે. તેવામાં હોટલની બહાર કેટલાક લોકો વચ્ચે મારામારી થતી હતી. તેને જોવા માટે બધા નીકળ્યા હતા. દરમિયાન ધ્યાને આવ્યું કે, કેટલાક પરિચીત તથા અન્ય દ્વારા આદિલ શેખ અને રેહાન શકીલ તેજા પર અગાઉના ઝઘડાની અદાવતે બેટ અને પાઇપ વડે આડેધડ મારામારી કરી રહ્યા છે. તેઓ હોટલ પાસે આવી જતા ફરિયાદીના માસી નસીમબાનું તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. જો કે, આરોપીઓએ તેમને માર મારતા ફરિયાદી વચ્ચે પડ્યા હતા.
પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખીશું
આ ઘટનામાં ફરિયાદીને હાથના કાંડાના ભાગે બેટ મારતા ઇજા પહોંચી હતી. જે બાદ છોડાવવા પડેલા અનેક લોકોને માથા, કાંડા, દાઢીના ભાગે માર મારવામાં આવતા ઇજાઓ પહોંચી હતી. માથાભારે શખ્સો જતા જતા કહેતા ગયા કે, જો પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાંખીશું. આખરે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉપરોક્ત મામલે સાહીલ ઉર્ફે જેશી સાજીદ ઉર્ફે દાઢી શેખ, ફારૂક ઉર્ફે બોટી રફીકભાઇ શેખ, મહંમદ જાફર સીયા, ઐયુબ ઇમરાન પઠાણ, આસીફ ઉર્ફે તીતલી સલીમભાઇ શેખ, શહેજાદ ઉર્ફે પીપોડી અનવર અહેમદ શેખ, શાહીદ ( તમામ રહે. નવાબવાડા, વડોદરા) તથા અન્ય ત્રણથી ચાર ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : મોહસિને મનોજ બનીને પ્રેમજાળ બિછાવી


