VADODARA : ભીમપુરા પાસે નવો બનાવેલો RCC રોડનો ભાગ તુટ્યો
VADODARA : વડોદરાના સેવાસીથી સિધરોટ જવાના માર્ગને લોકોની સુગમતા ખાતર RCC નો બનાવવામાં આવ્યો (BHIMPURA NEAR NEWLY CONSTRUCTED RCC ROAD GOT CRACKED - VADODARA) છે. તેવામાં આજે ભીમપુરા પાસે આરસીસી રોડનો કેટલોક ભાગ તુટી ગયેલો હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી ગોબાચારી ખુલ્લી પડી જવા પામી છે. આ રસ્તા પરથી મોટા મોટા ટ્રક અને ડમ્પરો મોટી સંખ્યામાં અવર-જવર કરતા હોય છે, ત્યારે ભારદારી વાહન આરસીસી રોડના તુટેલા ભાગમાં ખોટકાઇ જવાની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
પાકો રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠવા પામ્યા
વડોદરાના સેવાસી થી સિંધરોટ તરફ મોટા બંગ્લાઓ, વૈભવી ફાર્મ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તાર આવેલો છે. અહિંયાથી હજારોની સંખ્યામાં વાહનો લઇને લોકો વડોદરા અવર-જવર કરે છે. લોકોની સુગમતા ખાતર તાજેતરમાં જ સેવાસીથી સિંધરોટ તરફ જતા રસ્તાને આરસીસીનો પાકો રસ્તો કરી દેવામાં આવ્યો છે. જો કે, આજે બનેલી ઘટનાને પગલે આ પાકો રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠવા પામ્યા છે.
પીક અવર્સમાં ટ્રાફીક જામની શક્યતાઓ નકારી શકાય તેમ નથી
આજે ભીમપુરા પાસે આરસીસીનો રસ્તો તુટ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પગલે કોન્ટ્રાક્ટરની ગોબાચારી ખુલ્લી પડવા પામી છે. હાલ પણ આ રસ્તેથી ભારદારી સહિતના વાહનો પસાર થઇ રહ્યા છે. ત્યારે તંત્રએ આ વાત ધ્યાને લઇને નક્કર આડાશ ઉભી કરવી જોઇએ તેવો સ્થાનિકોનો મત છે. અને રોડ સાઇડનો મોટો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયેલો હોવાના કારણે પીક અવર્સમાં ટ્રાફીક જામની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ વચ્ચે સામાજીક કાર્યકર પણ સ્થળ પર પહોંચ્યા છે, અને તેમણે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર પર સવાલો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર બિલ્ડિંગમાં અનેક ખામી


