VADODARA : ગેસ કટરની ચિનગારી શ્રમિકને મોત સુધી લઇ ગઇ
VADODARA : વડોદરાના શિનોર પોલીસ મથક (SHINOR POLICE STATION - VADODARA RURAL) વિસ્તારમાં આવલી ઇલેક્ટ્રો મેગ્નેટ કંપનીમાં કામ કરતા આધેડ શ્રમિક થીનરની ડોલ લઇને જઇ રહ્યા હતા. દરમિયાન એક ડોલની કડી તુટતા થીનર તેમના પર પડ્યું હતું. તેવામાં પાસે ગેસ કટરનું કામ ચાલું હોવાથી તેની ચિનગારીથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. આ આગમાં આધેડ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ચોથા દિવસે તેમનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે શિનોર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
સ્ટોરમાંથી કેન વડે કલર અને થીનરની ડોલ લઇને જતા હતા
વડોદરાના શિનોર પોલીસ મથક વિસ્તારમાં ઇલેક્ટ્રો મેગ્નેટ કંપની આવેલી છે. તાજેતરમાં કંપનીના ફાઉન્ટ્રી વિભાગમાં ગેસ કટર વડે કામકાજ ચાલી રહ્યું હતું. દરમિયાન કંપનીમાં કામ કરતા દિનેશભાઇ ભોલાભાઇ સહાની (ઉં. 57) (રહે. અવાલખ) સ્ટોરમાંથી કેન વડે કલર અને થીનરની ડોલ લઇને જતા હતા. તેવામાં એક ડોલ તેની કડીમાંથી પડતા કલર અને થીનરના છાંટા તેમના પર પડ્યા હતા.
2, ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની હતી
બીજી તરફ ગેસ કટરનું કામ ચાલું હોવાના કારણે તેની ચિનગારીથી આગ લાગી હતી. જેની લપટોમાં દિનેશભાઇ સહાની આવ્યા હતા. અને આખા શરીરે ગંભીર રીતે દઝાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ગંભીર રીતે દાઝેલા દિનેશભાઇ સહાનીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 2, ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની હતી. જે બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગતરોજ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જે બાદ મામલે મૃતકની દિકરી ગુડીયા દિનેશભાઇ સહાનીએ શિનોર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. ઘટનાની વધુ તલસ્પર્શી તપાસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઇ કાભભાઇને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : વિજ થાંભલાની આગ પ્રસરતા અટકાવાઈ, મોટું નુકશાન ટળ્યું


