VADODARA : 25 વર્ષ પાલિકાની કચેરીએ ચપ્પલ ઘસ્યા છતાં સમસ્યાનું નિરાકણ નહીં
VADODARA : વડોદરા (VADODARA) ના કડક બજાર વિસ્તારમાં દુકાન ધરાવતા માલિકના નામે વર્ષો પહેલાથી પાણીનો વેરો ફટકારવામાં આવી રહ્યો છે. ખરેખર તેમની દુકાનમાં પાણીનું કોઇ કનેક્શન જ નથી. છતાં ય પાલિકા (VADODARA - VMC) દ્વારા જુના વેરાની રકમમાં નવો વેરો ઉમેરીને વ્યાજ સાથે વસુલાત કરવા બિલ ફટકારી રહી છે. આખરે રહીશની ધીરજ ખુટી પડી છે. આજરોજ તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, મને આ માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવો. છેલ્લે આત્મહત્યા કરી લઇએ, બીજુ શું. આજસુધી મારૂ નાક કપાયું નથી. મારી તરફ કોઇએ આંગળી નથી કરી. તેટલું સારૂ જીવન છે અમારૂ. તેમ છતાં પાણીના કનેક્શનમાં આવું થયું છે.
વારંવાર રજુઆત છતાંય કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે.
વડોદરાનો વિકાસ સ્માર્ટ સિટીની તર્જ પર કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેનું તંત્ર કેટલું સ્માર્ટ છે, તે વાત કોઇનાથી છુપી નથી. ત્યારે સ્માર્ટ સિટીનું તંત્ર કોઇના નામનો વેરો વેપારીને ફટકારીને પોતાના અણઘડ વહીવટનું પ્રદર્શન કરી રહ્યું હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે. વિતેલા 25 વર્ષથી વેપારી દ્વારા વારંવારની રજુઆત છતાંય આજદિન સુધી તેમણે કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.
મારી દુકાનમાં પાણીનું કોઇ કનેક્શન નથી
પાલિકા પીડિત અનિલભાઇ લિંબાચીયાએ મીડિયાને જણાવ્યું કે, મારી કડક બજારમાં દુકાન છે. મને 25 જેટલા વર્ષ થઇ ગયા છે. મારી દુકાનનું પાણીનું કનેક્શન બીજા કોઇનું મારામાં નોંધીને આપ્યું છે. હું વાંધા અરજી આપું છું. આજદિન સુધી તેને કોઇ નિકાલ આવ્યો નથી. તે જ બિલને વ્યાજ સાથે ચઢાવી ચઢાવીને મને પાછુ મોકલી આપવામાં આવ્યું છે. મારી દુકાનમાં પાણીનું કોઇ કનેક્શન નથી. ખરેખરે જેનું કનેક્શન છે, તેમના નામો પાલિકા પાસે છે. તે છતાં તેમને હેરાન નથી કરતા. આમ જાવ, તેમ જાવ કરીને વર્તી રહ્યા છે. વોર્ડ નં - 6 માં રજુઆત કરી હતી, ત્યાર બાદ વોર્ડ ઓફિસરને રજુઆત કરી હતી.
આજસુધી મારૂ નાક કપાયું નથી. મારી તરફ કોઇએ આંગળી નથી કરી
વધુમાં તેમણે જણાવ્યું કે, હવે મારો વિસ્તાર વોર્ડ નં - 13 માં આવી ગયો છે. તેઓને રજુઆત કરી છે. જુની ઓફિસમાંથી અમારી પાસે કોઇ માહિતી આવી નથી, તેવું જણાવી રહ્યા છે. વેરા નહીં ભરાય તે તેઓ મારી દુકાન સીલ મારી શકે છે, હું જાણું છું. પરંતુ બીજાનું કનેક્શન હોય તો હું પૈસા કેવી રીતે ભરું. અને તે પણ એક થી વધુનું કનેક્શન છે. અગાઉ હું કમિશનરની ઓફિસમાં ગયો હતો. તેમણે મને કહ્યું કે,આ નોર્મલ છે. પણ થયું નથી. મારી એક જ માંગ છે કે, મને આ માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવો. છેલ્લે આત્મહત્યા કરી લઇએ, બીજુ શું. આજસુધી મારૂ નાક કપાયું નથી. મારી તરફ કોઇએ આંગળી નથી કરી. તેટલું સારૂ જીવન છે અમારૂ. તેમ છતાં પાણીના કનેક્શનમાં આવું થયું છે.
આ પણ વાંચો -- VADODARA : નોટીસ પાઠવતા નવીનગરીના રહીશોએ અધિકારીઓને ઘેર્યા


