VADODARA : સંકલનની બેઠકમાં ઉગ્ર રજુઆત બાદ ખનન માફિયાઓ પર ગાળિયો કસાયો
VADODARA : ગતરોજ વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ફૂલેલા-ફાલેલા ખનન માફિયાઓ (ILLEGAL MINING MAFIA - VADODARA) સામે કડક કાર્યવાહી કરવા માટે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેની અસર આજે જોવા મળી રહી છે. આજરોજ વડોદરા ગ્રામ્યમાં આવતા શિનોરમાંથી બે ટ્રક ભરીને ગેરકાયદેસર લઇ જવાતી કપચી (મોરમ) જપ્ત કરવામાં આવી છે. અને બંને વાહનોને ડિટેઇન કરીને વધુ કાર્યવાહી અર્થે વડોદરાના ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે. જેને પગલે ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તંત્રની ત્વરિતતા જોતાં આવનાર સમયમાં વધુ માફિયાઓ સામે કાર્યવાહી થઇ શકે છે.
ફરિયાદો વ્યાપ પ્રમાણમાં ઉઠવા પામી
વડોદારા ગ્રામ્ય વિસ્તારમાં કુદરતી સંસાધનો મોટા પ્રમાણમાં આવેલા છે. તેને ઉલેચીને રોકડી કરવા માટે ખનીજ માફિયાઓ કોઇ પણ તક છોડતા નથી. ખાસ કરીને રેતી, અને કપચીનું મોટા પ્રમાણમાં ખનન કરીને લઇ જવામાં આવતી હોવાની ફરિયાદો વ્યાપ પ્રમાણમાં ઉઠવા પામી છે. ત્યારે ગતરોજ જિલ્લા સંકલનની બેઠકમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી તથા ધારાસભ્યો સર્વે દ્વારા ગેરકાયદેસર ખનન મામલે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.
બે ટ્રકને ડિટેઇન કરવામાં આવ્યા
શિનોર તાલુકામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ટીંગલોદ ગામે છલોછલ કપચી ભરીને ટ્રક જઇ રહ્યા હતા. તેની અટકાયત કરીને ચાલક પાસેથી જરૂરી મંજુરી માંગવામાં આવી હતી. આ મામલે તેઓ ગેરકાયદેસર રોયલ્ટી ભર્યા વગર કપચી લઇ જઇ રહ્યા હોવાનું સપાટી પર આવતા બે ટ્રકને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અને આ ઘટના અંગે વડોદરાના ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : નિયમોના ભંગ બદલ બે ડઝન ભારદારી વાહનો ડિટેઇન


