VADODARA : મોડે મોડે કેબલની કામગરી યાદ આવતા રોડ-પેવર બ્લોક ખોદી નંખાયા
VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (SMART CITY - VADODARA) માં કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ-પેવર બ્લોક નાંખ્યા બાદ તેને કામગીરી યાદ આવતા ફરી રોડ ખોદી નાંખવામાં આવે છે. આ સિલસિલો આજનો નથી, લાંબા સમયથી ચાલતો આવે છે. પરંતુ આજદિન સુધી તેનું કોઇ નિરાકરણ આવતું નથી. શહેરના વાઘોડિયા રોડ પર આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં કેબલ તથા અન્ય કામગીરી પાછળથી કરવાનું આવતા સારી હાલતમાં કાર્યરત રોડ અને પેવર બ્લોકને ઉખાડી નાંખવામાં આવ્યા છે. જેને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. એક-બે નહીં આશરે 8 જેટલી જગ્યાઓએ આ પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે.
સારા રોડનું નિકંદન કાઢી નાંખ્યું
વર્ષ 2022 માં વાઘોડિયા રોડ પર વૃંદાવન ચોકડીથી હાઇ-વે તરફ રૂ. 10 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગટર, ફૂટપાથ, ડિવાઇડરની સુવિધાઓ પણ હતી. આ રોડ થોડાક દિવસો પહેલા સારી હાલતમાં હતો. પરંતુ પાલિકાને અહિંયા 1.7 કિમીના રૂટ પર પાણી, ડ્રેનેજ અને કેબલ નાંખવાની કામગીરી યાદ આવતા સારા રોડનું નિકંદન કાઢી નાંખ્યું છે. આ કામગીરી અંતર્ગત 8 જેટલા સ્થળોએ પેવર બ્લોક ઉખાડી નાંખવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા પ્રજાના ટેક્સરૂપી નાણાંનો આ રીતના વેડફાટ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી
આ સાથે જ પેવર બ્લોક અને પાઇપોને આડેધડ રીતે મુકી રાખવામાં આવ્યા છે. જેને લઇને પણ સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ અગાઉ પણ આ પ્રકારે અઘણડ કામગીરીના અનેક નમુનાઓ આપણી સમક્ષ આવી ચુક્યા છે. ત્યારે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. હવે લોકોના નાણાનો વેડફાટ અટકાવવા માટે પાલિકા ક્યારે પોતાની આયોજનની રીત બદલે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : સાયબર માફિયાઓનું નવું હથિયાર બન્યુ "વર્ચ્યુઅલ નંબર"


