VADODARA : SSG હોસ્પિટલમાં આજે પણ તબિબોની હડતાલ જારી
VADODARA : કલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ બાદ તેની હત્યાના (Kolkata rape-murder case) મામલે દેશભરમાં વિરોધ શરૂ થયો હતો. જેમાં વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના તબિબો પણ જોડાયા હતા. રાજ્યભરની મેડિકલ કોલેજોમાં વિરોધનો અંત આવ્યો છે. ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હજી પણ તબિબો દ્વારા હડતાલ જારી રાખવામાં આવી છે. તેમના દ્વારા મુકવામાં આવેલી માંગ સામે લેખિતમાં બાંહેધારી નહીં મળતા હડતાલ જારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
મુદ્દાઓ રજુ કરીને તંત્ર પાસે પોતાની આશા-અપેક્ષાઓ જણાવી
એક તરફ ચોમાસાની સિઝનમાં શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. રોજે-રોજ કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયાના શંકાસ્પદ-પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલની ઓપીડી તથા એડમિટ થતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હજી પણ તબિબિ વિદ્યાર્થીઓની હડતાલ જારી છે. જેને લઇને આડતકરી રીતે દર્દીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. ડોક્ટર્સના એસો. જેડીએ દ્વારા વિવિધ મુદ્દાઓ રજુ કરીને તંત્ર પાસે પોતાની આશા-અપેક્ષાઓ જણાવી હતી. પરંતુ તેમાં કોઇ સમાધાનકારી નિર્ણય હજી સુધી નહી લેવાતા આ હડતાલ ચાલી રહી છે.
ઓપીડીમાં અડધો-અડધ દર્દીઓની સંખ્યામાં ઘટાડો
આજે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબિબોની હડતાલનો 7 મો દિવસ છે. હડતાલ પાડનાર તબિબો દ્વારા દર્દીઓની તમામ સુવિધાઓ સચવાશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હકીકતે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં તબિબોની હડતાલને પગલે ઓપીડી તથા એડમિટ થવા માટે આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ સુત્રકોના જણાવ્યા અનુસાર, ઓપીડીમાં અડધો-અડધ દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે 49 સર્જરી રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદથી ઇમર્જન્સી સર્જરી હાલ સુધી ચાલુ છે.
લોકજાગૃતિના પોસ્ટર લગાડવામાં આવ્યા
તો બીજી તરફ ગતરોજ એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલ પરિસરમાં ફોટો વિડીયોગ્રાફી માટે પ્રતિબંધ મુકવામાં આવ્યા હોવાના પોસ્ટર-બોર્ડ મારવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટર્સ જોડે ગેરવર્તણુંક કરનાર સામે કાયદાકીય પગલાંઓની જોગવાઇઓને લઇને પણ લોકજાગૃતિના પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં સુરક્ષા માટે 7 મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહીની માંગ


