VADODARA : નિઝામપુરા બસ ડેપો પાસે પાણીની રેલમછેલ, ચોમાસા જેવા હાલ
VADODARA : વડોદરા (VADODARA) માંં નિઝામપુરા વિસ્તારમાં આવેલા બસ ડેપો પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવવાના કારણે રેલમછેલ સર્જાઇ હતી. સામાન્ય રીતે ચોમાસામાં જે હાલ સર્જાયા હતા, તેવા હાલ રસ્તાના જોવા મળ્યા હતા. આ મામલે પાલિકામાં જાણ કર્યા બાદ પણ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી ન્હતી. અને એક ફૂટ જેટલો ફૂવારો ઉછળીને પીવાલાયક પાણીનો વેડફાટ થયો હોવાનું સ્થાનિકે મીડિયાને જણાવ્યું હતું.
એક ફૂટ જેટલો પાણીનો ફૂવારો ઉછળીને રોડ પર વહી રહ્યો હતો
વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ થઇને તેનો વેડફાટ થવો કોઇ નવી વાત નથી. આ પ્રકારના કિસ્સાઓમાં હજારો લિટર પાણી વહી ગયા બાદ પાલિકા તંત્ર કામગીરી કરવા આગળ આવે છે, આ વાત પણ સૌ કોઇ જાણે જ છે. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આવો જ એક કિસ્સો શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ડેપો પાસેનો સામે આવ્યો છે. ગત રાત્રે ડેપો નજીક રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. રોડમાંથી એક ફૂટ જેટલો પાણીનો ફૂવારો ઉછળીને રોડ પર વહી રહ્યો હતો. આ ઘટનાને જોનારા હજારો લોકો હતા. પરંતુ તેને અટકાવવાનું કોઇના હાથમાં ન્હોતું. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં રજુઆત કર્યા બાદ પણ કલાક સુધી પાણી વહેતું રહ્યું હતું.
પાલિકામાં જાણ કર્યા બાદ કોઇ જોવા પણ આવ્યું નથી
અહિંયાથી પસાર થનારાને એક વખત તો ચોમાસાની યાદ આવી જ ગઇ હતી. સ્થાનિકે બળાપો ઠાલવતા મીડિયાને કહ્યું કે, પાણીની લાઇનમાં ભંગાણ અંગે અમે પાલિકામાં ફરિયાદ કરી છે. છતાં કોઇ જોવા આવ્યું નથી. એક કલાક પાણી વહીને તેની જાતે જ બંધ થઇ ગયું હતું. પાલિકામાં જાણ કર્યા બાદ કોઇ જોવા પણ આવ્યું નથી. આવી બેદરકારી ના હોવી જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : "નેતાઓએ વોટ માંગવા આવવું નહીં", સૂચિત બ્રિજનો વિરોધ ઉગ્ર બન્યો


