VADODARA : રખડતા ઢોરે વધુ એક મહિલાનો ભોગ લીધો
VADODARA : વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં પાલિકાનું તંત્ર સરીયામ નિષ્ફળ પુરવાર થયું હોવાના કારણે સોમવારે રાત્રે વધુ એક 32 વર્ષની યુવતીએ જીવ ગુમાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના ઉંડેરા ગામના તળાવ નજીક બની હતી. એક્ટિવા ઉપર જતી બે સંતાનની માતા ઉંડેરા તળાવ પાસેથી પસાર થતી હતી ત્યારે ગાય સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજાને કારણે તેમને સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જવાહરનગર પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. (STRAY CATTLE ACCIDENT, FEMALE LOST LIFE - VADODARA)
સારવાર દરમિયાન મોત નિપજ્યું
જાણવા મળતી વિગતો અનુસાર કોયલી, ઝવેરપુરા ભારત પેટ્રોલ પમ્પની સામે રહેતા સુરેખાબેન ગણપતભાઇ સોલંકી (32) સોમવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે પોતાની એક્ટિવા લઇને હરિનગર ગોત્રી જવા માટે નીકળ્યા હતા અને ઉંડેરા તળાવ નજીકથી પસાર થતી વખતે રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયને કારણે તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા. જેના કારણે મોઢા અને માથાના ભાગે તેમને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા તેમના પરિવારજનો પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને સુરેખા સોલંકીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
કોયલી ઝવેરપુરા વિસ્તારમાં માતમ છવાઇ ગયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરેખા સોલંકીનો પતિ ગણપતભાઇ સોલંકી ડ્રાઇવિંગનો કરે છે. જ્યારે તેમને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી અને છ વર્ષનો દીકરો છે. ઘટનાને પગલે કોયલી ઝવેરપુરા વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. દિકરીના મમ્મી ક્યાં છે,ના નિર્દોષ સવાલે પરિજનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. ઉંડેરા તળાવ નજીકમાં જ કેટલાક પશુપાલકોના ઢોરવાડા આવેલા છે અને રાત્રીના સમયે ઢોરને ખુલ્લામાં છોડી મુકવામાં આવતા હોવાના કારણે વાહન અકસ્માતોના અવારનવાર બનાવો બનતા હોવાથી આ ઘટનામાં 32 વર્ષની બે સંતાનની માતાએ જીવ ગુમાવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
આ પણ વાંચો --- Dahod : ઝાલોદમાં લગ્ન પ્રસંગમાં મોટી દુર્ઘટના, વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી


