VADODARA : વિદ્યાર્થીની જાણ બહાર એડમિશન મેળવી સ્કોલરશીપ સગેવગે
VADODARA : વડોદરા (VADODARA) ના વિદ્યાર્થી પ્રતિક પરમારના નામે ગાંધીનગરની દહેગામની કોલેજમાં એડમિશન લઇને સ્પોલરશીપ (SCHOLARSHIP SCAM - GANDHINAGAR) સગેવગે કરવામાં આવી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પ્રતિકે મુખ્યમંત્રીના સ્વાગત (SWAGAT ONLINE - CM, GUJARAT) કાર્યક્રમમાં રજુઆત કર્યા બાદ ફરિયાદ નોંધાવવા પામી છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપી દ્વારા અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આ જ રીતે સ્કોલરશીપનું કૌભાંડ આચર્યું હોવાનું પીડિત જણાવી રહ્યો છે. અત્યાર સુધી આપણે રાજ્યમાં નકલી અધિકારી, નકલી જજ, નકલી પનીર, સહિત અનેક નકલી જોયું છે, પરંતુ હવે નકલી એડમિશન પણ સામે આવી રહ્યા છે. જેનો અજાણી વ્યક્તિએ ફાયદો પણ ઉઠાવ્યો છે. હવે આ મામલે પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.
હું જાણીને અવાક રહી ગયો હતો
ભોગબનનનાર પીડિત પ્રતિક પરમારએ મીડિયાને જણાવ્યું કે, મેં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો નથી. છતાં પણ ગાંધીનગરના દહેગામમાં આવેલી એક કોલેજમાં એડમિશન બતાવ્યું હતું. ત્યાર બાદ મે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં પણ FIR ના થતા મેં તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરી હતી. આખરે મુખ્યમંત્રીની સુચનાથી 26, ડિસે.ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક એક્શન લેવામાં આવે તેવી મારી માંગ છે. મેં ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપનું તાજેતરમાં ફોર્મ ભર્યું હતું. તે સમયે મને જાણ થઇ કે, મારા નામ પર ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. હું જાણીને અવાક રહી ગયો હતો, મેં કોઇ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો જ નથી.
હું કોલેજમાં ગયો પણ નથી, અને મેં કોલેજ જોઇ પણ નથી
વધુમાં જણાવ્યું કે, બાદમાં મેં આરટીઆઇ મારફતે માહિતી માંગી હતી. ત્યાર બાદ ફરિયાદ માટેની કાર્યવાહી કરી હતી. તેમાં કોઇ અજાણી વ્યક્તિનો જ મોબાઇલ નંબર બતાવવામાં આવી રહ્યો છે. નામ વિજય પટેલ લખાઇને આવે છે. તે અમદાવાદનો વ્યક્તિ હોવાનું જણાવી રહ્યા છે. વિજય પણ આ વાતથી અજાણ હોવાનું જણાવી રહ્યો છે. તેના સાહેબે ઘણાબધા વિદ્યાર્થીઓ જોડે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. બધાના એક જ કોલેજ અને એક જ બેચમાં એડમિશન બતાવી રહ્યા છે. હું કોલેજમાં ગયો પણ નથી, અને મેં કોલેજ જોઇ પણ નથી.
મારા જેવા સામાન્ય માણસોને ન્યાય મળે
વધુમાં ઉમેર્યું કે, વિતેલા એક વર્ષથી હું લડાઇ લડી રહ્યો છું. આ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગર સેક્ટર - 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં અલગ અલગ કલમોનો ઉમેરો કરવામાં આવે. ખાસ કરીને એટ્રોસીટી એક્ટ અંતર્ગતનો ગુનો દાખલ કરવામાં આવે. એસસી-એસટીના વ્યક્તિને સ્પોલરશીપથી વંચિત રાખવાનો ગુનો દાખલ થાય છે. આ લોકોને ઝડપથી પકડવામાં આવે, અને મારા જેવા સામાન્ય માણસોને ન્યાય મળે.
તે ગુજરાત માટે સારી વાત છે
આખરમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીએ મને સાંભળ્યો છે, અને જો રાજ્યના મુખ્યમંત્રી લોકોને સાંભળતા હોય, અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય તે ગુજરાત માટે સારી વાત છે. કોઇના પ્રશ્નનો ઉકેલ ના આવતો હોય, તો માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચવું જોઇએ. તેમની સુચનાથી મારા કેસમાં ફરિયાદ તાત્કાલિક કરવામાં આવી છે.
આ પણ વાંચો --Gujarat: રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યા પડ્યો કમોસમી વરસાદ


