VADODARA : છાણીમાં ચાર વાહનો વચ્ચે વિચીત્ર અકસ્માત, જાનહાની ટળી
VADODARA : વડોદરા (VADODARA) માં ઝડપખોરોનો ત્રાસ હજી પણ યથાવત છે. ગતરાત્રે શહેરના છાણી રોડ પર આવેલા ચિશ્તિયા નગર પાસે ત્રણ કાર અને એક બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કોઇ પણ જાનહાની નહી થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનામાં કાર આખી ઉછળીને અન્ય કારના બોનેટ સુધી આવી ગઇ હોવાના દ્રશ્યોએ લોકોમાં ડરનો માહોલ સર્જ્યો હતો.
પુર ઝડપે આવતી કાર અન્ય કાર જોડે ભટકાઇ
વડોદરાના છાણી રોડ વિસ્તારમાં ગતરાત્રે એક વિચીત્ર અકસ્માકની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં મોટા ધડાકાનો અવાજ સંભળાતા લોકો તે તરફ દોડ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગતરાત્રે છાણી રોડ પર આવેલા ચિશ્તિયા નગર પાસે પુર ઝડપે આવતી કાર અન્ય કાર જોડે ભટકાઇ હતી. તે બાદ કાર ઉછળીને અન્ય કારના બોનેટ પર આવી ચઢી હતી.
એપ્લાય્ડ ફોર રજીસ્ટ્રેશનનું સ્ટીકર મારવામાં આવ્યું
આ ઘટનામાં એક ટુ વ્હીલર ચાલક પણ અડફેટે આવી ગયો હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટ્યા હતા. અને સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની નહીં થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માતમાં નુકશાન પામેલી કાર પૈકી એકમાં તો નંબર પ્લેટ પણ ના હોવાનું સ્થાનિકોનું કહેવું છે. નંબર પ્લેટની જગ્યાએ તેની પર એપ્લાય્ડ ફોર રજીસ્ટ્રેશનનું સ્ટીકર મારવામાં આવ્યું હતું.
શહેરમાં ઝડપખોરોનો ત્રાસ હોવાનું લાગી રહ્યું છે
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને લોકટોળાને વિખેરીને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કિસ્સો જોતા હજી પણ શહેરમાં ઝડપખોરોનો ત્રાસ હોવાનું લાગી રહ્યું છે. જેને નાથવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે.
આ પણ વાંચો -- VADODARA : આંગણવાડીના "નંદ ઘર" કચરાપેટી બન્યા, મસમોટા ખર્ચ બાદ જાળવણીમાં મીંડુ