VADODARA : તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પર નિયંત્રણો લદાયા
VADODARA : વડોદરા શહેર વિસ્તારમાં તાલુકા પંચાયત (TALUKA PANCHAYAT ELECTION - VADODARA, GUJARAT) ની પેટા ચૂંટણી યોજાનાર છે અને તે મુજબ મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ રાખવામાં આવેલ છે તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ નિયત થયેલ છે. આ ચુંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી ચુંટણી પ્રચાર માટે જાહેરસભાઓ તથા સરઘસો યોજાનાર છે. જેથી જાહેર સુલેહશાંતિ જાળવવા માટે નરસિમ્હા કોમાર પોલીસ કમિશ્નર, વડોદરા શહેર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ સભા /સરઘસ ઉપર યોગ્ય પ્રતિબંધ મૂક્યા છે.
એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહી
જાહેરનામા અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં, કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ આ હુકમની તારીખથી- તા.૧૮/૦૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન (બન્ને દિવસો સહીત) સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગાં થવું નહીં, કોઈ સભા કરવી કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં.કોઈ પણ રાજકિય પક્ષ કે ઉમેદવારો ઘ્વારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. ઉમેદવાર ઉમેદવારી પત્રો ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં આપવા કે ચુંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચુંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહી. જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહી તેમજ ખલેલ પહોંચાડવી નહિ. ચૂંટણીના સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ બેનર્સ કે કટ આઉટ રાખી શકાશે. આવા સરઘસમાં પક્ષે/ ઉમેદવારે પુરા પાડેલ ટોપી માસ્ક સ્કાર્ફ વગેરે પહેરી શકશે. પરંતુ પક્ષે પુરા પાડેલ સાડી/ શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહી.
પ્રચાર માટે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે
પરંતુ, ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે. ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર પક્ષના કાર્યકરો/ નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી/ મફલર પહેરી શકશે પરંતુ બેનર પ્રદર્શીત કરીશકશે નહી.
શુદ્ધ આશયથી જતા વ્યક્તિઓના કિસ્સામાં લાગુ પડશે નહીં
આ હુકમ લગ્નના વરઘોડા, સીનેમામાં, ટાઉન હોલમાં, સ્મશાન યાત્રામાં, એસ.ટી. બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે, નવરાત્રી ઉત્સવની ઉજવણી માટે કે મંદિર, મસ્જિદ અને દેવળમાં પ્રાર્થના માટેના શુદ્ધ આશયથી જતા વ્યક્તિઓના કિસ્સામાં લાગુ પડશે નહીં. આ હુકમ વડોદરા શહેર પોલીસ કમિશનર હકૂમત હેઠળના વડોદરા તાલુકા પંચાયતની બેઠક પૂરતા વિસ્તારમાં તા.૧૮/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.
આ પણ વાંચો --- VADODARA : વધુ બે નાણાંકિય સંસ્થાઓને ફડચામાં લઇ જવાની પ્રક્રિયા શરૂ


