VADODARA : વગર વરસાદે મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ
VADODARA : વડોદરાના તાંલદજા વિસ્તારમાં વગર વરસાદે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. મચ્છરોથી ત્રસ્ત નાગરિકો આજે તાંદલજા તળાવ ખાતે મોટી મચ્છરદાનીઓ લઇને એકત્ર થયા હતા. અને વિસ્તારની સમસ્યા તંત્રના કાન સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે, આ તળાવમાં ડ્રેનેજના પાણીનો નીકાલ કરવામાં આવતા તે આજે છલોછલ ભરાયું છે. અને તેના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું અનુમાન છે. સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. પરંતુ હાલ તાંદલજામાં તો વગર વરસાદે મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાથી આખરે લોકોએ વિરોધનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે.
તાંદલજા વિસ્તારમાં પરિસ્થિતી વધારે વિકટ
વડોદરામાં સવારે ઠંડી અને ત્યાર બાદ દિવસભર ગરમીનો અહેસાસ થાય છે. આ રૂતુમાં અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પરંતુ શહેરના તાંદલજા વિસ્તારમાં પરિસ્થિતી વધારે વિકટ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના તાંદલજા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત લોકોએ આજે તળાવ પાસે એકત્ર થઇને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અને તંત્રના કાન સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો હોવાની લોકલાગણી
કોંગી આગેવાન અસ્ફાક મલેકની આગેવાનીમાં તાંદલજા તળાવ ખાતે રહીશો એકત્ર થયા છે. તમામ રહીશો મોટી મચ્છરદાનીને ઓઢીને વિરોધ નોંધાવી રહ્યા છે. અસ્ફાક મલેકે જણાવ્યું કે, તાંદલજા ગામના તળાવમાં વિતેલા 10 વર્ષોથી ગટરના કનેક્શનો છે. જેથી ગટરના પાણી તેમાં જાય છે. અને વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરોનું સામ્રાજ્ય ફેલાયું છે. તે બાબતે વારંવાર રજુઆતો કરવામાં આવે છે, કોઇ સાંભળતું નથી. તાંદલજાત તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવતું નથી. અમારી માંગ છે કે, તળાવની ગંદકી દુર કરવામાં આવે, મચ્છરોનો ઉપદ્રવ દુર કરવામાં આવે, તથા તળાવમાં ગટરના પાણી ઠાલવતા અટકાવવામાં આવે તેની અમારી માંગ છે. અમારા વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો હોવાની લોકલાગણી વ્પાયી જવા પામી છે.
આ પણ વાંચો --- VADODARA : WPL ની મેચ પર સટ્ટો રમાડતા પાંચ ઝબ્બે, એક ડઝન ફોન મળી આવ્યા


