VADODARA : ઇ-ચલણ ભરવામાં લાપરવાહી દાખવી તો આકરી કાર્યવાહી માટે તૈયાર રહેજો
VADODARA : વડોદરા (VADODARA) માં એક વાહન પર એકથી વધુ વખત નિયમોનો ભંગ કરવા બદલ ફટકારવામાં આવેલા ઇ-ચલણ (UNPAID E - CHALLAN) ની ભરપાઇ કરવાનું બાકી હોય તેવા કિસ્સાઓ છે. આવા વાહન ચાલકોને શોધી શોધીને તેમની સામે આકરી કાર્યવાહી કરવાની તૈયારી વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA CITY TRAFFIC POLICE) અને આરટીઓ (RTO - VADODARA) સજ્જ બન્યું છે. હાલમાં આવા 100 જેટલા વાહન ચાલકો સામે વોચ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા તત્વોને શોધવા હવે શહેર ટ્રાફિક પોલીસ (VADODARA CITY TRAFFIC POLICE) દ્વારા વોચ ગોઠવવામાં આવી છે. અને તેમની સામે આરટીઓ વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા ચાલકનું લાયસન્સ રદ્દ કરવા સુધી (DRIVING LICENCE CANCEL) ની આકરી તૈયારીઓ કરી દીધી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ટોચના 100 વાહન ચાલકો પર વિશેષ વોચ રાખવામાં આવી રહી છે
વડોદરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાલકોને ઇ-ચલણ ફટકારવામાં આવે છે. જે ભરપાઇ કરીને ફરી વધત બેદરકારીનું પુનરાવર્તન ના થાય તેની આશા તંત્ર રાખે છે. પરંતુ વાહન ચાલકો ઇ-ચલણને ભરપાઇ કર્યા વગર જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જારી રાખતા હોવાના કિસ્સાઓ પણ સપાટી પર આવે છે. આ મામલે હવે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આકરૂં વલણ દાખવવામાં આવી રહ્યું છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-ચલણ ભરપાઇ કરવાના વધુ બાકી હોય તેવા ટોચના 100 વાહન ચાલકો પર વિશેષ વોચ રાખવામાં આવી રહી છે. અને સીસીટીવી થકી તેમની અવર-જવર ના રૂટનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
72 ઇ-ચલણ ભરપાઇ કરવાના બાકી
આ વાહન ચાલકો સુધી ટુંકા ગાળામાં પહોંચીને તેમની પાસેથી ઇ-ચલણના બાકી દંડની સ્થળ પર જ વસુલાત કરવામાં આવશે. આ સાથે કાર્યવાહીમાં આરટીઓ વિભાગને જોડીને આવા બેદરકાર વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરવાની તંત્રની તૈયારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસના લિસ્ટમાં પ્રથમ સ્થાને અક્ષરચોક વિસ્તારમાં રહેતા રહીશની માલિકી ધરાવતી કાર છે. જેના 72 ઇ-ચલણ ભરપાઇ કરવાના બાકી છે. આ ઇ-ચલણની અંદાજીત રકમ રૂ. 50 હજાર આંકવામાં આવી રહી છે. ત્યાર બાદ અન્ય ખાનગી લક્ઝરી બસ, ટેમ્પોનો સમાવેશ થાય છે. જે તમામના 35 થી વધુ ઇ-ચલણ ભરપાઇ કરવાના બાકી બોલે છે.
અન્ય 100 વાહન ચાલકો પર તવાઇ આવનાર છે
ટ્રાફિક પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ 100 બેદરકાર વાહન ચાલકો સામે દંડ વસુલાત સાથે અન્ય કાર્યવાહી બાદ અન્ય 100 વાહન ચાલકો પર તવાઇ આવનાર છે. આગામી સમયમાં લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે, અને નિયમો તોડવા બદલ આપેલા ઇ-ચલણને સમયસર ભરપાઇ કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઇ-ચલણ માટે કરવામાં આવતી કાર્યવાહી રાજ્યમાં પ્રથમ વખત
હાલ શહેરમાં પોલીસ ભવન- રાવપુરા, ડીસીપી ટ્રાફિક ઓફિસ, વડોદરામાં જ્યાં ટ્રાફિક પોલીસની ટીમ પીઓએસ મશીન સાથે સજ્જ હોય ત્યાં અથવા તો ઓનલાઇન ઇ-ચલણ ભરપાઇ કરવાની સુવિધાઓ આપવામાં આવે છે. સંભવત વડોદરામાં ઇ-ચલણ માટે કરવામાં આવતી કાર્યવાહી રાજ્યમાં પ્રથમ વખત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી બાદ લોકો ટ્રાફિકના નિયમોને લઇને કેટલા ગંભીર થાય છે, તે આવનાર સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચો -- Rajkot : TRP ગેમઝોન 'અગ્નિકાંડ' બાદ RMC ચીફ ફાયર ઓફિસર ઘરભેગા