VADODARA : પ્રયાગરાજની યાત્રામાં હેરાનગતિ થતા ભાડું પરત લેવા પોલીસમાં રાવ
VADODARA : હાલ પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ (HISTORIC MAHAKUMBHA, PRAYAGRAJ - 2025) ચાલી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે વડોદરાથી 42 સભ્યો ખાનગી ટ્રાવેલ્સની બસ કરીને ગયા હતા. દરમિયાન બસ સુવિધા મામલે હેરાનગતિ થતા મુસાફરો પૈકી એક દ્વારા ભાડું પરત લેવા માટે રાવપુરા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. (VADODARA TRAVELER ASK MONEY BACK AFTER HORRIBLE EXPERIENCE OF PRIVATE BUS TO PRAYAGRAJ, MAHAKUMBH) જો કે, આ મામલે ટ્રાવેલ્સ સંચાલક દ્વારા જણાવાયું છે કે, અમે પ્રવાસીઓ પાસેથી માત્ર ડિઝલના જ રૂપિયા લીધા છે.
તે સમયે ચાલક પાસે ટાયર બદલવા માટે જેક પણ ન્હતો
સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકમાં સતિષભાઇ શીતોળેએ કરેલી અરજી અનુસાર, 5 ફેબ્રુઆરીના રોજ પરિવારના 42 સભ્યો જય માતાજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં વડોદરાથી પ્રયાગરાજ, કાશી અને અયોધ્યા જવા નીકળ્યા હતા. મરીમાતાના ખાંચામાંથી બસ નીકળીને હાલોલ પહોંચી ત્યાં તો ટાયર ફાટી ગયું હતું. તે સમયે ચાલક પાસે ટાયર બદલવા માટે જેક પણ ન્હતો. માંડ રાત્રે નાયર શોધી તેની પાસેથી જેક મેળવીને ટાયર બદલવામાં આવ્યું હતું. મડગાર્ડ પાછળનો એક એંગલ ટાયર સાથે અથડાતો હોવાના કારણે આમ થયું હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું.
કારણો અંગે ચાલકને કોઇ અંદાજો ન્હતો
અરજીમાં વધુમાં જણાવ્યા અનુસાર, બસ ગોધરા બાયપાસ પાસે બંધ પડી ગઇ હતી. તેના કારણો અંગે ચાલકને કોઇ અંદાજો ન્હતો. મુસાફરે શોધ્યું કે ડિઝલ પંપ ખરાબ હોવાના કારણે આમ થયું છે. અને તેને રીપેર કરીને બસ મુસાફરી આગળ વધારવામાં આવી હતી. દરમિયાન ટ્રાવેલ સંચાલકને જાણ કરતા તેણે બસ ઉજ્જૈનમાં બદલી આપવાનો વાયદો કર્યો હતો. જો કે, તેમ થયું ન્હતું. તેની જગ્યાએ બસ રીપેર કરવામાં આવી હતી. ઉજ્જૈનમાં જ્યાં મુસાફરોને ઉતારો આપવામાં આવ્યો હતો, તે જગ્યાએ રહેવાનો અનુભવ નર્કાગાર જેવો હતો. તે બાદ બસ માંડ ઇન્દોર સુધી પહોંચી હતી. ત્યાર બાદ ટ્રાવેલ સંચાલકે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.
જો બે ટાયર નીકળી ગયા હોત તો...
મુસાફરી દરમિયાન એક રાત્રે બસનું પાછળનું ટાયર નીકળી ગયું હતું. અને કુદીને સામેના રોડ પર આશરે 300 મીટર દુર જતુ રહ્યું હતું. મુસાફરોએ જાતે ટાયર શોધીને લગાવડાવ્યું હતું. એકની જગ્યાએ જો બે ટાયર નીકળી ગયા હોત તો મોટી અકસ્માતની ઘટના સર્જાઈ શકી હોત. જમવા માટેની પણ અપુરતી વ્યવસ્થા હોવાનો આરોપ અરજીમાં મુકવામાં આવ્યા છે. જો કે, આ મામલે જય માતાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક મુકેશભાઇ માળીનું કહેવું છે કે, અમે બસ યોગ્ય ચકાસણી બાદ જ મોકલીએ છીએ. બસમાં તકલીફ પડી હતી, તેનું રીપેરીંગ પણ કરાવવામાં આવ્યું હતું. અમે પ્રવાસીઓ પાસેથી માત્ર ડિઝલના જ રૂપિયા લીધા છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ પણ વાંચો --- VADODARA : લકુલીશ ધામની આસપાસ હવા પ્રદુષણનો ભારે ફેલાવો


