VADODARA : ટોર્ચ લાઇટ મારીને ઘરની સ્થિતીનો ચિતાર મેળવતા તસ્કરોનો આતંક
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવેલા અનગઢમાં મળસ્કે અજાણ્યા ઇસમો દ્વારા ટોર્ચત લાઇટના સહારે ઘરની અંદરની સ્થિતી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવતા લોકોની ઉઁઘ હરામ થઇ ગઇ છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ હજી પણ જારી છે. ત્યારે સ્થાનિકે નંદેસરી પોલીસ મથકમાં અરજી કરીને આ અંગે જરૂરી પગલાં લેવ માટેની માંગ કરી છે. ત્રણ જેટલા ઇસમો આ પ્રકારનું કૃત્ય ભેગા મળીને કરતા હોવાનો પ્રાથમિક અંદાજ સીસીટીવી પરથી લગાડવામાં આવી રહ્યો છે. હવે આવા તત્વોને ડામવા માટે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું.
ચાર વાગ્યાના આરસમાં ત્રણ શખ્સોની હાજરી સીસીટીવીમાં જોવા મળી
વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. પોલીસ દ્વારા પેટ્રોલીંગના અનેક પ્રયત્નો છતાં તસ્કરોમાં ધાક જમાવવામાં કોઇ નક્કર સફળતા મળી નથી. પહેલા તસ્કરોના નામની અફવાહ લોકોની મુશ્કેલીઓ વધારતી હતી, હવે તસ્કરોની હાજરી લોકો માટે માથાનો દુખાવો બની છે. આવી જ એક ઘટના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં સામે આવી છે. વડોદરા ગ્રામ્યના અનગઢ ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહિંયા અજાણ્યા શખ્સો દ્વારા મળસ્કે ચાર વાગ્યાના આરસમાં ત્રણ શખ્સોની હાજરી સીસીટીવીમાં જોવા મળી છે.
પોલીસ પેટ્રોલીંગ વધારવા માટેની માંગ અરજદારે કરી
આ શખ્સો દ્વારા આઠ જેટલા મકાનોમાં ટોર્ચ લાઇટ મારીને તેમજ બારીના પડદા પટાવીને મકાનમાં અંદર જોવામાં આવતું હતું. આ દરમિયાન તેમણે બે જેટલા મકાનોમાં બહારથી જ સ્ટોપર બંધ કરી દીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે અરજદારે 100 નંબર પર પણ જાણ કરી છે. અજાણ્યા શખ્સો કોઇ જગ્યાએ હાથફેરો ના કરી જાય તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારવા માટેની માંગ અરજદારે કરી છે. હવે આ વિસ્તારના નાગરિકોની સમસ્યા દુર કરવા માટે પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો પકડતી SOG


