VADODARA : બુટલેગરનું "ક્રેશ લેન્ડિંગ", સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વડું પોલીસ મથક (VADU POLICE STATION) માં દારૂ ભરેલી કાર અને ખાનગી કારમાં સવાર પોલીસ વચ્ચે જાહેર રોડ પર પકડદાવના દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન બુટલેગરે કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેણે ખેતરમાં ઘૂસાડી દીધી હતી. અને ઝાડી ઝાંખરાનો લાભ લઇને નાસી છુટ્યો હતો. ત્યાર બાદ પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તુરંત સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
વડું પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ દિવાળી તહેવારના અનુસંધાને ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન પીઆઇ તરફથી બાતમી મળી કે, એક જુના મોડલની કાર દારૂનો જથ્થો ભરીને વડું ચોકડીથી જંબુર તરફ જતા રોડ પર જઇ રહી છે. બાદમાં તુરંત સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન બાતમીથી મળતી આવતા કાર આવતા તેને રોકવાનો પ્રયાસ થયો હતો. જો કે ચાલકે ઇશારો જોતા જ તેણે કાર ભગાવી મુકી હતી. બાદમાં પોલીસ જવાનોએ તેનો પીછો કર્યો હતો.
ઝાડી ઝાંખરાનો ફાયદો લઇને બુટલેગર નાસી છુટ્યો
બુટલેગર અને પોલીસ વચ્ચે રસ્તા પર રેસના દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન બુટલેગરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવડા કાર ગલકાના ખેતરમાં ઘૂસી ગઇ હતી. અને ભટકાઇ હતી. તેવામાં ખેતરના ઝાડી ઝાંખરાનો ફાયદો લઇને બુટલેગર નાસી છુટ્યો હતો. બાદમાં પંચોને બોલાવીને કારમાં તપાસ કરતા તેમાં પુઠ્ઠાની પેટીઓ મળી આવી હતી. પેટીઓ ખોલતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી
ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસને સીલબંધ બોટલ કિં. રૂ. 63 હજાર, અન્ય ફૂટેલી બોટલ તથા કાર મળીને રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. હાલ આ મામલે ફરાર બુટલેગર સામે કારના નંબરના આધારે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -- VADODARA : પ્રાણી પ્રેમી યુવતિનું રહસ્યમય સંજોગોમાં મોત, શ્વાન દેહ પાસે બેસી રહ્યા


