VADODARA : "નેતાઓએ વોટ માંગવા આવવું નહીં", સૂચિત બ્રિજનો વિરોધ ઉગ્ર બન્યો
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા રોડ જંક્શન પર ડિ માર્ટ પાસેના ઓવર બ્રિજનો (VASNA ROAD OVER BRIDGE OPPOSE LOCAL PEOPLE - VADODARA) વિરોધ ઉગ્ર બન્યો હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકો દ્વારા રાણેશ્વર મંદિર પાસે બેનરો મારવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, કોઇ પણ રાજકીય પક્ષના નેતાઓએ વોટ માંગવા આવવું નહીં. વાસણા રોડ પર 700 મીટરના ઓવર બ્રિજની કામગીરીનો શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. ઓવર બ્રિજ થોપી દેવામાં આવતા લોકો પોસ્ટરો થકી પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.
બ્રિજ બિનજરૂરી હોવાનું સ્થાનિકોનું સ્પષ્ટ પણે માનવું છે
વડોદરાના વાસણા જંક્શન પર સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર જ ઓવર બ્રિજ થોપી દેવામાં આવ્યો છે. જ્યારથી ઓવરબ્રિજના કામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી જ તેનો વિરોધ ચાલી રહ્યો છે. આ માત્ર 700 મીટર જેટલી જ લંબાઇ ધરાવતો સૂચિત બ્રિજ છે. આ બ્રિજ બિનજરૂરી હોવાનું સ્થાનિકોનું સ્પષ્ટ પણે માનવું છે. જેના કારણે સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઇને સાથે રાખીને સ્થાનિકો મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત પણ લઇ ચુક્યા છે. પરંતુ આ બ્રિજ અંગે તંત્ર ટસનુંમસ થવા તૈયાર નથી. ત્યારે લોકો પોતાની વેદના પોસ્ટર સ્વરૂપે ઉજાગર કરીને વિરોધ દર્શાવી રહ્યા છે.
બ્રિજનો અને સખ્ત વિરોધ કરીએ છીએ
તાજેતરમાં વધુ એક વખત સ્થાનિકો દ્વારા પોસ્ટર લગાડીનો પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જેમાં નેતાઓ સામેની નારાજગી સ્પષ્ટ છલકાઇ રહી છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, વાસણા રોડ જંક્શન (રાણેશ્વર ચાર રસ્તા) ખાતે બનનાર બ્રિજનો અને સખ્ત વિરોધ કરીએ છીએ. જો આ બ્રિજ બનશે તો કોઇ પણ રાજકીય પક્ષના નેતાઓએ વોટ માંગવા આવવું નહીં.
તંત્રએ વોલ ટુ વોલ દબાણો દુર કરવા જોઇએ
સ્થાનિકોનું કહેવું છે કે, બ્રિજની કોઇ જરૂરત નથી. અમે લાંબા સમયથી બ્રિજનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઇ સંતોષકારક જવાબ આવ્યો નથી. અમારી તકલીફ જાણવા પણ કોઇ આવતું નથી. આ તાનાશાહી જેવું છે, કોઇને કંઇ પુછવાનું નહીં. આ બ્રિજથી ટ્રાફિકની કોઇ સમસ્યાનું સમાધાન થવાનું નથી. તંત્રએ વોલ ટુ વોલ દબાણો દુર કરવા જોઇએ. તેને હટાવવાથી રસ્તા ખુલ્લા થઇ શકે છે. છતાં કેમ ઓવરબ્રિજ બનાવીને નુકશાન કરવું. બ્રિજ પાછળ તંત્ર ખોટા પૈસા બરબાદ કરી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીનો અંત પોલીસ મથકમાં


