VADODARA : વાહન અકસ્માતમાં મૃત્ય આંક ઘટ્યો, 12 બ્લેક સ્પોટ ઓળખાયા
VADODARA : વડોદરા શહેર જિલ્લામાં પોલીસ (VADODARA CITY - RURAL POLICE) વિભાગ દ્વારા સડક સુરક્ષા અભિયાન ચલાવવામાં આવે છે. જેના સુખદ પરિણામો હવે સામી આવી રહ્યા હોય તેમ લાગે છે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં વર્ષ 2023 ની સરખામણીએ વર્ષ 2024 માં વાહન અકસ્માતમાં મૃત્યુની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ તંત્ર દ્વારા 12 જેટલા નવીન બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે. જેના પર અકસ્માત નિવારવા માટે આવનાર સમયમાં જરૂરી પગલાં લેવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સડક સુરક્ષાના અભિયાનના સારા પરિણામો
વિતેલા વર્ષમાં વડોદરામાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ રહી હતી. પરંતુ વર્ષ 2023 ની સરખાામણીમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે પોલીસ માટે આંશિક રાહતની વાત છે. અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા સડક સુરક્ષાના અભિયાનના સારા પરિણામો હવે સપાટી પર આવી રહ્યા છે. આવનાર સમયમાં પોલીસ વિભાગ આ જ રીતે કામ કરે તો અકસ્માતની ઘટનામાં ઉત્તરોત્તર ઘટાડો થાય તો નવાઇ નહીં.
બે વર્ષમાં થયેલા અકસ્માતોનું સરવૈયું
વર્ષ 2023 માં વાહન અકસ્માતના - 455, ફેટલ - 170, ગંભીર ઇજા - 194, અને સામાન્ય ઇજાના 80 કેસો નોંધાયા હોવાનું સપાટી પર આવ્યું હતું. જેની સરખામણીએ વર્ષ 2024 માં વાહન અકસ્માતના - 448, ફેટલ - 151, ગંભીર ઇજા - 220, અને સામાન્ય ઇજાના 77 કેસો નોંધાયા હોવાનું સપાટી પર આવ્યું છે.
5 કરતા વધુ અકસ્માત નોંધાય તે બ્લેક સ્પોટ ગણાય
આ સાથે જ પોલીસ દ્વારા જાંબુઆ બ્રિજ, કપુરાઇ બ્રિજ, એપીએમસી માર્કેટની સામે, એરફોર્સ બ્રિજ, ગોલ્ડન ચોકડીની નીચે, કોટાલી ગામ જવાનો કટ, દેણા ચોકડી, દુમાડ ચોકડી તથા અન્ય વિસ્તારોમાં 12 જેટલા બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે. એક જ જગ્યાએ જ્યારે 5 કરતા વધુ અકસ્માત નોંધાય છે, ત્યારે તે જગ્ચાની ઓળખ બ્લેક સ્પોટ તરીકે કરવામાં આવે છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
અકસ્માતમાં ઘટાડો થવા પાછળ ભારદારી વાહનો પરની પ્રવેશબંધી પણ જવાબદાર હોવનું અનુમાન છે. વડોદરામાં બપોરે 1 - 4 અને રાત્રે - 9 થી સવારે - 7 સુધી ભારદારી વાહનો પ્રવેશ કરી શકે છે. તે સિવાયના સમયમાં પોલીસની ડ્રાઇવ ચાલુ હોય છે. જેમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો -- VADODARA : ગુનાખોરીમાં અડધી સદી વટાવી ચૂકેલા રીઢા આરોપીને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ


