VADODARA : ફી મામલે મનમાની કરતી વિબગ્યોર સ્કુલ સામે વાલીઓનો મોરચો
VADODARA : વડોદરાના વડસર વિસ્તારમાં આવેલી વિબગ્યોર શાળાના સંચાલકો દ્વારા ફી મામલે મનમાની (VIBGYOR SCHOOL FEE HIKE ISSUE - VADSAR, VADODARA) કરવામાં આવતા વાલીઓનો મોરચો ડીઇઓ કચેરી ખાતે પહોંચ્યો છે. વાલીઓએ શાળા સંચાલકો પર આરોપ મુકતા જણાવ્યું કે, તેઓ એફઆરસીના ઓર્ડર પ્રમાણે ફી લેવા તૈયાર નથી. તેનાથી વધુ ફી લેવાય છે, અને સામે તે મુજબની સગવડ આપવામાં આવતી નથી.
ડીઇઓ કચેરી અને એફઆરસીના ધક્કા
વડદોરાના વડસર વિસ્તારમાં વિબગ્યોર સ્કુલ આવેલી છે. આ શાળાના સંચાલકો દ્વારા ફી રેગ્યુલેશન કમિટિ દ્વારા સૂચિત ફી માળખાથી વિપરીત પોતાની મનમાની કરવામાં આવતી હોવાનો આરોપ વાલીઓ દ્વારા મુકવામાં આવ્યો છે. શાળા એફઆરસીના ઓર્ડરને નકારી રહી છે. વાલીનું કહેવું છે કે, વર્ષ 2017 થી એફઆરસી લાગુ છે. અમે વર્ષ 2020 થી લડી રહ્યા છીએ. અને ડીઇઓ કચેરી અને એફઆરસીના ધક્કા ખાઇ રહ્યા છીએ.
કોઇ સગવડ આપવામાં આવતી નથી
વાલીએ ઉમેર્યું કે, ધો. - 3 ની ફી રૂ. 1.60 લાખ વસુલવામાં આવે છે. જો કે, એફઆરસી દ્વારા રૂ. 1.20 લાખ કરવામાં આવી છે. જે પણ વધારે છે. શાળા જે ફી વસુલે છે, તેની સામે કોઇ સગવડ આપવામાં આવતી નથી. વાલીઓ રજુઆત કરવા જાય તો મનસ્વી વર્તન કરે છે. તેઓ એફઆરસી પ્રમાણે ફી લેવા તૈયાર નથી. આ વર્ષે ફી માં 20 ટકાનો વધારો કર્યો છે. એફઆરસી શાળા સાથે હોવાનો આરોપ વાલીઓએ મુક્યો છે.
અન્ય શાળાઓની મનમાની પણ સામે આવો તે નવાઇ નહીં
તો બીજી તરફ આ અંગે ડીઇઓએ જણાવ્યું કે, આજે વાલીઓની ફરિયાદ મળી છે. જેના અનુસંધાને શાળામાં તપાસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફી મામલે કકળાટની શરૂઆત થઇ ગઇ છે. જો શરૂઆતમાં જ ડીઇઓ કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, તો તેને જોતા અન્ય શાળાઓ પણ એફઆરસીના નિયમોનું કડકાઇ પૂર્વક પાલન કરશે. જો તેમ નહિં થાય તો અન્ય શાળાઓની મનમાની પણ આગામી સમયમાં સામે આવો તે નવાઇ નહીં.
આ પણ વાંચો --- Kutch: એક બે નહીં પરંતુ 14 બોગલ લાયસન્સ ઈસ્યું કર્યા, મુખ્ય સુત્રધારને SOGએ દબોચ્યો


