VADODARA : અનેક મગરના મોત બાદ તંત્રને જ્ઞાન લાદ્યું
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માં પૂર નિવારણ માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અનેક વિસ્તારોમાં રેમ્પ બનાવવા માટે મશીનરી ઉતારવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન વિતેલા બે મહિનામાં 6 જેટલા મગરના મૃતદેહ (CROCODILE DEAD BODIES FOUND IN RIVER - VADODARA) મળી આવ્યા હોવાની ઘટના સામે આવતા તંત્રને જ્ઞાન લાદ્યું છે. અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે ફોરેસ્ટ વિભાગના તજજ્ઞોને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં બે મગરના મૃતદેહ એક જ દિવસે મળી આવ્યા હતા
વડોદરાની વિશ્વામિત્રી નદીને ઉંડી-પહોળી અને ચોખ્ખી કરવા માટે પાલિકાને મુખ્યમંત્રી તરફથી સૈદ્ધાંતિક મંજુરી મળી ગઇ છે. જે બાદ 50 જેટલા સ્થળોએ રેમ્પ બનાવીને મશીનરી ઉતારી શકાય તેવી કામગીરી કરવામાં આવી છે. મગરની હાજરી હોય છે, તેવા વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે. આ વચ્ચે વિતેલા 2 મહિનામાં 6 મગરના મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં તરતા મળી આવ્યા હતા. જે પૈકી તાજેતરમાં બે મગરના મૃતદેહ એક જ દિવસે મળી આવ્યા હતા. જેને પગલે પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આખરે આ મામલે હવે પાલિકા કમિશનર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેની અમલવારી ક્યારે થાય છે તે જોવું રહ્યું.
એનઓસી આવ્યા બાદ જ વિશ્વામિત્રી નદીમાં કામગીરી કરીશું
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, તાજેતરમાં બે મગરના મૃત્યુની દુખદ ઘટના સામે આવી છે. એમાં પાલિકા દ્વારા કોઇ એક્ટીવીટી શરૂ કરવામાં આવી નથી. આ ઘટનામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ થાય, અથવા તો પીએમ રીપોર્ટમાં કંઇ સામે આવી શકે, તેમની જે કોઇ પદ્ધતિ હોય તેની સામે હું કંઇ કહી શકું તેમ નથી. અમે વાઇલ્ડ લાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે. તેમની એનઓસી આવ્યા બાદ જ વિશ્વામિત્રી નદીમાં કામગીરી કરીશું. જ્યારે અમે કામગીરી કરીશું ત્યારે ફોરેસ્ટ વિભાગના પ્રતિનિધિઓ તથા આ વિષયના તજજ્ઞોની હાજરીમાં, તેમના દ્વારા સૂચિત SOP ને અનુસરીને અમે કરવાના છીએ. અમે બધી બાબતોનું ધ્યાન રાખીશું. STP ની કેપેસીટી વધારી છે, જેથી નદીના પાણીની ગુણવત્તા પર તેની અસર દેખાઇ રહી છે.
આ પણ વાંચો --- VADODARA : અતિગંભીર હાલતમાં મળેલા દિપડાએ દમ તોડ્યો


