VADODARA : ખંડેરાવ માર્કેટમાં મનમાની કરતા વેપારીઓ દંડાયા
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ની મુખ્ય કચેરી પાછળ આવેલા ખંડેરાવ માર્કેટમાં વેપારીઓ દ્વારા જાહેરમાં ધંધો કરવાની સાથે ગંદકી કરવામાં આવતા દંડ ફટકારવામાં આવ્યો છે. અચાનક પાલિકાના અધિકારી અને કર્મચારીઓને ખંડેરાવ માર્કેટમાં એન્ટ્રી પડતાની સાથે જ અફરા તફરી મચી જવા પામી હતી. મોટા વેપારીઓએ બહાર મુકેલો સામાન દુકાનમાં મુકીને તેને જપ્ત થતા બચાવી લીધો હતો. જો કે, આમાં નાના વેપારીઓનો એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી નિયમીત રીતે થવી જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
નિયમોનો ઉલાળીયો કરતા વેપારીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી
વડોદરા પાલિકાની પાછળ આવેલા શાકભાજી અને ફળોના માર્કેટમાં જ પારાવાર ગંદકી હોય છે. આવા કિસ્સાઓ અનેક વખત સપાટી પર આવ્યા હતા. જેને પગલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા. આખરે ખંડેરાવ માર્કેટમાં કામગીરીનું તાજેતરમાં મૂહુર્ત નિકળ્યું હતું. અચાનક પાલિકાની ટીમો દ્વારા કરેલી કાર્યવાહીને પગલે નિયમોનો ઉલાળીયો કરતા વેપારીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. આખરે જે હાથે ચઢ્યા તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
આશરે રૂ. 17 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો
પાલિકાના અધિકારી વિજય પંચાલે મીડિયાને જણાવ્યું કે, પાલિકાની મુખ્ચ કચેરી પાછળ આવેલા ખંડેરાવ માર્કેટ તથા તેની આસપાસના વિસ્તારમાં ફળો, ફૂલો વેચતા વેપારીઓ દ્વારા જાહેરમાં ધંધો કરવો તેમજ દુકાન બહાર સામાન મુકવા બદલ વેપારીઓને નોટીસ આપીને દંડ વસુલવામાં આવ્યો છે. સાથે જ એક ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. વેપારીઓ પાસેથી આશરે રૂ. 17 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : ચીફ ફાયર ઓફિસરની નિમણૂંક શંકાના દાયરામાં


