VADODARA : ચીફ ફાયર ઓફિસરની નિમણૂંક શંકાના દાયરામાં
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલના (CHIEF FIRE OFFICER APPOINTMENT CONTROVERSY - VADODARA) નામને બહાલી આપવામાંં આવી છે. તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં આ મામલે ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે મામલો ઉગ્ર બનતા વિપક્ષ દ્વારા આ અંગે કોર્ટમાં જવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. મનોજ પાટીલના અનુભવના કારણે નિમણૂંક શંકાના દાયરામાં મુકવામાં આવી રહી છે.
અભ્યાસ દરમિયાન કંપનીમાં નોકરી શરૂ કરી દીધી
તાજેતરમાં વડોદરા પાલિકા દ્વારા ચીફ ફાયર ઓફિસરની ડાયરેક્ટ ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે બાદ મનોજ પાટીલ ના એકમાત્ર નામને સભામાં મુકવામાં આવ્યું હતું. જેને બહુમતીના જોરે મંજુર કરવામાંં આવ્યું છે. આ નિમણૂંકને વિપક્ષના નેતા શંકાના દાયરામાં મુકી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મનોજ પાટીલ બેંકમાં ફાયર ઓફિસર તરીકેની ફરજ બજાવતા હતા. તેઓએ વર્ષ 2014 માં ગુજરાત યુનિ.માં ફાયર એન્ડ સેફ્ટી વિભાગમાં બીએસસી કર્યું છે. તેઓના અભ્યાસ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપનીમાં નોકરી શરૂ કરી દીધી હતી. તે સમયે તેમની પોસ્ટ જુનિયર ફાયર ઓફિસરની હતી.
ડિગ્રી આવી જ ન્હતી, ત્યારે નોકરી કેવી રીતે મળી શકે ?
સવાલો ઉઠી રહ્યા છે કે, જ્યારે ડિગ્રી આવી જ ન્હતી. ત્યારે ફાયર ઓફિસર તરીકે જે તે સમયે નોકરી કેવી રીતે મળી શકે ? જો તેઓ ગુજરાત યુનિ.ના રેસીડેન્ટ કોર્ષમાં અભ્યાસ કરતા હોય તો તેઓ જવાબદારીવાળી નોકરી કેવી રીતે કરી શકે ? માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ચીફ ફાયર ઓફિસરના પદ માટેના દાવેદારોમાં પણ આ પ્રકારના અનેક સવાલો ઉઠી રહ્યા છે.
નોકરી કેવી રીતે મળી તે અલગ તપાસનો વિષય
વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ મીડિયાને જણાવ્યું કે, જેને વડોદરાના ભૂગોળની ખબર નથી, તેવાનો શહેરના માથે નાંખી દેવામાં આવ્યો છે. ડિગ્રી પહેલા નોકરી કેવી રીતે મળી તે અલગ તપાસનો વિષય બને છે. વડોદરાની આસપાસ મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યારે મોટી હોનારત સમયે તે કેવી રીતે કામ કરી શકશે, તેવા અનેક સવાલો ચર્ચાઇ રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 150 જેટલા મગરોનું સ્થળાંતર કરાશે


