VADODARA : પૂરમાં પાણી નથી ભરાયા ત્યાં વરસાદી કાંસ બનાવવા તંત્ર તત્પર બન્યું
VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા 50 વર્ષમાં ગમે તેટલો વરસાદ પડે, પુર આવે છતાં શહેરના આર્યકન્યાથી ભૂતડીઝાંપા વિસ્તારમાં પાણી ભરાયું નથી. છતાંય આ સ્થળે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના પ્રાથમિક ઉદ્દેશ્યથી વરસાદી કાંસ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનો આરોપ વિશ્વામિત્રી બચાવો સમિતી દ્વારા કરવામાં આવ્યો છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. અને પાલિકા દ્વારા લોકોના ટેક્સરૂપે ચુકવેલા પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.
કુદરતી ઢાળ હોવાથી પાણી ટકતું નથી
વિશ્વામિત્રી બચાઓ સમિતી દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે, ભૂતડી ઝાંપાથી આર્ય કન્યા જીવન ભારતી ચાર રસ્તા સુધી વરસાદી ચેનલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હકીકતે આ રોડ ઉંચાણ પર આવેલો છે. અને આ સ્થળે વિતેલા 50 વર્ષમાં ગમે તેટલો વરસાદ અથવા પૂરની પરિસ્થિતીમાં પણ પાણી ભરાયા નથી. અહિંયા આસપાસ કુદરતી ઢાળ હોવાથી પાણી ટકતું નથી. તુરંત તેનો નીચાણવાળા વિસ્તારમાં નિકાલ થાય છે.
મોટા સિમેન્ટના ભૂંગળા લાવીને મુકવામાં આવ્યા
ત્યારે પાલિકા દ્વારા અહિંયા વરસાદી ચેલન બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કામ શરૂ થાય તે પહેલા પાલિકા દ્વારા મોટા સિમેન્ટના ભૂંગળા લાવીને મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં તાજેતરમાં જેસીબી મારફતે ખોદકામ પણ શરૂ કરવામાં આવ્યું છે. વરસાદી ડ્રેનેજના નામે કોના લાભ માટે પ્રજાના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે, તેવું ચર્ચાઇ રહ્યું છે.
સત્તાધીશો દ્વારા તેમની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પાલિકા દ્વારા રોડ રસ્તા, પાણી, વગેરેને લગતી કામગીરી કેવી કરવામાં આવે છે, તે વાત કોઇનાથી છુપી નથી. તાજેતરમાં તો આજવા રોડ પર વરસાદી ચેનલનું કામ અધુરૂ છોડવામાં આવ્યું હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. ત્યારે જ્યાં જરૂર નથી ત્યાં વરસાદી ચેનલ નાંખીને પાલિકાના સત્તાધીશો દ્વારા તેમની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોવાનું હાલ સપાટી પર આવવા પામ્યું છે. હવે આ મામલે ઉજાગર કર્યા બાદ તંત્ર શું એક્શન લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : 8 વર્ષમાં રૂ.1,660 કરોડ ખર્ચ્યા, છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચનું સ્થાન નહીં


