VADODARA : લોકોના કામ નહીં કરતા અધિકારીઓ કોર્પોરેટરની રડારમાં
VADODARA : લોકોના કામો સમયસર નહીં કરતા હવે પાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરની રડારમાં (VMC OFFICIALS NOT WORKING UPTO THE MARK - VADODARA) છે. આ વાત કોઇ એક પક્ષ પુરતી સિમિત નથી રહી છે. સત્તાપક્ષ હોય કે વિપક્ષ બંને અધિકારીઓની લબાડગીરીથી કંટાળ્યા છે. જેમ જેમ વડોદરા પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ અધિકારીઓ અને કોર્પોરેટર વચ્ચેની લડાઇ તેજ બનતી જાય છે.
કામગીરી શરૂ કરીને 15 જેટલા દિવસ સુધી કોઇ આવતું નથી
પહેલા કિસ્સામાં વોર્ડ નં - 1 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા સિટી એન્જિનિયર પત્ર લખવામાં આવ્યો છે. જે અંગે મીડિયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, અમારા મતવિસ્તારમાં રોડની કામગીરી ચાલે છે. છાણી જકાતનાકાથી લઇને છાણી સર્કલ હોય કે પછી સપ્તપદી પાર્ટી પ્લોટથી સોહમ સુધીનું કામ હોય, કે નક્ષત્રનો રોડ હોય, કામગીરી શરૂ કરીને 15 જેટલા દિવસ સુધી કોઇ કામ કરવા આવતું નથી. નાગરિકોને અવર-જવરમાં કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક કિસ્સામાં તો ઘર્ષણ પણ થાય છે. આ ફરિયાદો કાર્યપાલક ઇજનેરને કરવા માટે ફોન કરીએ તો તેઓ રીસીવ કરતા નથી. તેમની નીચેના એન્જિનિયર ફોન પર જણાવે છે કે, અમે તેમનાથી થાકી ગયા, તેમને નોટીસ આપ્યા બાદ પણ તેઓ કામ કરતા નથી. તાજેતરમાં આ મામલે 7 દિવસમાં બ્લેક લિસ્ટ કેમ નહીં કરવા માટેનો ખુલાસો માંગવા માટેનો પત્ર લખ્યો છે.
બેરીકેટીંગ કરાવીને સ્થળને સુરક્ષિત કરી દેવામાં આવ્યું
બીજા કિસ્સામાં માંજલપુર ચાર રસ્તા પાસે ભૂવો પડવાની સ્થિતિનું નિર્માણ થયું છે. જે જોવા માટે સ્થાનિક BJP કોર્પોરેટર અને પાલિકાના દંડક શૈલેષ પાટીલ પણ ઘટના સ્થળે દોડીને આવ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે, પાલિકાના અધિકારીએને ગત સાંજે જ જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા આજ સવાર સુધીમાં કોઇ જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે તેમણે બેરીકેટીંગ કરાવીને સ્થળને સુરક્ષિત કરી દેવામાં આવ્યું હતું. આ જગ્યાએ મસમોટો ભૂવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
મેં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા
શૈલેષ પાટીલે મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે સાંજે અધિકારીને મેં ફોટા મોકલ્યા હતા. અને તેમ પણ જણાવ્યું હતું કે, રોડ પર મોટો ભૂવો જોવા મળી રહ્યો છે. આ અંગે તાત્કાલિક કામ કરવું પડશે. બે વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરે રોડ પર પાઇપલાઇનનું કામ કર્યું હતું. તે સમયે પણ મેં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. હું એક કોર્પોરેટર તરીકે અવાજ ઉઠાવું છું, તો અધિકારીઓ કેમ કામ નથી કરી રહ્યા. આ પાણી પુરવઠા વિભાગનું કામ છે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાના 'કામચોર' અધિકારીઓ પર તવાઇની તૈયારીઓ


